સુરતઃ સુરત ક્રાઈમ બ્રાન્ચે છેલ્લા 11 વર્ષથી ફરાર મોસ્ટ વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી છે. ડુપ્લિકેટ દસ્તાવેજોના આધારે 'એન માર્ટ' (N Mart) મોલ શરૂ કરી દેશભરમાં 800 કરોડથી વધુનું ફૂલેકું ફેરવનાર ગોપાલ શેખાવત અને મોહમ્મદ સલીમખાનની પોલીસે ધરપકડ કરી લીધી છે. ગોપાલ શેખાવત અને મોહમ્મદ સલીમખાને દેશમાં 54 જેટલા ગુનાઓને અંજામ આપ્યો છે. આરોપીઓ સુરતના અડાજણ-રાંદેરમાં ભાડાના ફ્લેટમાં રહેતા હતા.
800 કરોડના કૌભાંડમાં વધુ બે આરોપીઓની ધરપકડ
વધારે વિગતે વાત કરવામાં આવે તો, આરોપીઓએ અડાજણ વિસ્તારમાં નકલી ડોક્યુમેન્ટ્સ બનાવી એન માર્ટ, ન્યુ લુક મલ્ટી ટ્રેડ અને ન્યુ લુક રિટેલ્સ જેવી કંપનીઓ ઊભી કરી હતી. મોલની ફ્રેન્ચાઈઝી આપવાના નામે ગુજરાત, મહારાષ્ટ્ર સહિત 6 રાજ્યોના હજારો લોકોને કરોડો રૂપિયાનું રોકાણ કરવા લલચાવ્યા હતા. બિહાર પોલીસે દરેક આરોપી પર 50 હજારનું ઈનામ જાહેર કર્યું હતું.
આંતરરાજ્ય ગેંગના મુખ્ય સૂત્રધારો હવે જેલના સળિયા પાછળ
વર્ષ 2023માં સુરતના વેસુ પોલીસ સ્ટેશનમાં તેમની સામે છેતરપિંડીનો વધુ એક ગુનો નોંધાયો હતો. આરોપીઓ વિરુદ્ધ કોર્ટ દ્વારા CRPC 70 મુજબનું વોરંટ પણ ઇશ્યુ કરવામાં આવ્યું હતું. ક્રાઈમ બ્રાંચે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આખરે આ આંતરરાજ્ય ગેંગના મુખ્ય સૂત્રધારોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે 11 વર્ષ સુધી આ આરોપીઓ કોના આશ્રય હેઠળ હતા અને 800 કરોડની મિલકતો ક્યાં છુપાવી છે. આગામી દિવસોમાં આ મામલે મોટા ખુલાસા થાય તેવી શક્યતા છે.