અમદાવાદઃ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મતવિસ્તારમાં સ્કૂલ બહાર વિદ્યાર્થી પર ચાકુથી હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં દસમા ધોરણનો વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ થયો હતો. જૂની અદાવતમાં આ હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનાના પડઘા ગાંધીનગરમાં પડ્યા હતા. શિક્ષણ પ્રધાન પ્રદ્યુમન વાજાએ રિપોર્ટ મંગાવ્યો હતો.
મળતી વિગત મુજબ, સ્કૂલની બહાર ધોરણ 10ના વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ હતી. સ્કૂલના વિદ્યાર્થીઓ વચ્ચે બોલાચાલી બાદ ઝઘડો મારામારી સુધી પહોંચી ગયો હતો. આ ઘટનાની જાણ થતાં ઘાટલોડિયા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી મારામારીની ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ હતી. CCTV મુજબ, વિદ્યાર્થીઓનું ટોળું એક વિદ્યાર્થીને લાકડી અને પટ્ટા વડે મારી રહ્યું છે. સ્કૂલની 100 મીટરના અંતરમાં જ વિદ્યાર્થી પર હુમલો કરવામાં આવ્યો હતો.
થોડા મહિના પહેલા પણ અમદાવાદમાં આવી ઘટના બની હતી. ખોખરામાં આવેલી સેવન્થ ડે સ્કૂલના ધોરણ 10ના વિદ્યાર્થી નયનની તેની જ સ્કૂલમાં અભ્યાસ કરતા ધોરણ 10ના એક વિદ્યાર્થીએ બોક્સ કટર મારીને હત્યા કરી હતી. આ ઘટનાના 15 દિવસ બાદ CCTV સામે આવ્યા હતાં. મૃતક વિદ્યાર્થી નયન ઇજાગ્રસ્ત હાલતમાં સ્કૂલના એન્ટ્રી ગેટથી અંદર પ્રવેશ કરતો જોવા મળ્યો હતો.