એકતા નગર: વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' ખાતે પ્રવાસીઓની અવરજવર માટે મહત્વની ગણાતી ઇલેક્ટ્રિક બસ સેવા છેલ્લા છ દિવસથી ખોરવાઈ ગઈ છે. પગાર વધારા અને અન્યાયના મુદ્દે 127 જેટલા ડ્રાઇવર હડતાળ પર ઉતરી ગયા છે. આ મામલે હવે દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ એન્ટ્રી કરી છે. તેમણે હડતાળ કરી રહેલા ડ્રાઈવરો સાથે બેસીને સંચાલકો સામે મોરચો માંડ્યો છે અને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે સ્થાનિક આદિવાસીઓનું શોષણ સાંખી લેવામાં નહીં આવે.
ધારાસભ્ય ચૈતર વસાવાએ બસ સંચાલકો સામે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, જેમણે આ પ્રોજેક્ટ માટે પોતાની જમીનો આપી છે તેમને જ અન્યાય થઈ રહ્યો છે. તેમણે પુરાવા રજૂ કરતા કહ્યું કે, પે-સ્લિપ 22987 રૂપિયાની બને છે, પરંતુ ડ્રાઈવરના હાથમાં માત્ર 15000 રૂપિયા જ મૂકવામાં આવે છે, જ્યારે બસ સંચાલકોએ આ પ્રશ્નો ઉકેલવા એક મહિનાનો સમય માંગ્યો ત્યારે ચૈતર વસાવા લાલઘૂમ થઈ ગયા હતા અને ત્વરિત ન્યાયની માંગ કરી હતી, અન્યથા રાજ્યવ્યાપી આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.
ઉત્તરાયણ પર્વથી શરૂ થયેલી આ હડતાળને કારણે દેશ-વિદેશથી આવતા પ્રવાસીઓની હાલત કફોડી બની છે. બસ સેવા બંધ હોવાથી પ્રવાસીઓએ ખાનગી વાહનોમાં મોંઘા ભાડા ચૂકવીને ફરવા મજબૂર બનવું પડ્યું છે. સ્થિતિને પહોંચી વળવા માટે વહીવટી તંત્રે તમામ ચેકપોસ્ટ પરથી નિયંત્રણો હટાવી દીધા છે અને ખાનગી વાહનોને કોઈ પણ રોકટોક વગર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે, જેથી પ્રવાસીઓની હાલાકી પડી રહી છે.
ડ્રાઈવરોની મુખ્ય ફરિયાદ છે કે તેમને બે-ત્રણ મહિનાથી પગાર મળ્યો નથી અને જે મળે છે તે પણ કાપીને આપવામાં આવે છે. તંત્ર દ્વારા સમાધાનના અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે, પરંતુ ચૈતર વસાવાએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી સંચાલકો લેખિતમાં પગાર વધારા અને અન્ય સુવિધાઓની બાંહેધરી નહીં આપે ત્યાં સુધી હડતાળ સમેટવામાં આવશે નહીં. આ ટકરાવને કારણે આગામી દિવસોમાં એસઓયુની વ્યવસ્થા વધુ પ્રભાવિત થવાની ભીતિ છે.