રાજકોટ: શહેરના સૌથી પોશ અને વ્યસ્ત ગણાતા એસ્ટ્રોન ચોક વિસ્તારમાં આવેલી એક પ્રતિષ્ઠિત મોબાઈલ શોરૂમ પર જીએસટી (GST) વિભાગની તવાઈ બીજા દિવસે પણ યથાવત રહી હતી. ટેક્સ ચોરી અને નાણાકીય વ્યવહારોમાં ગેરરીતિની બાતમીને આધારે શરૂ કરવામાં આવેલી આ આકસ્મિક કાર્યવાહીને પગલે શહેરના વેપારી આલમમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. જીએસટીના ઉચ્ચ અધિકારીઓની ટીમ દ્વારા સ્ટોરના ખરીદ-વેચાણના બિલો અને બેંક ટ્રાન્ઝેક્શનની અત્યંત બારીકાઈથી તપાસ કરવામાં આવી રહી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ મોબાઈલ સ્ટોરમાં મોટા પાયે ટેક્સની હેરાફેરી થતી હોવાની આશંકા છે. અધિકારીઓ દ્વારા શોરૂમના ફિઝિકલ સ્ટોક અને રજિસ્ટર પરના આંકડાઓ વચ્ચેના તફાવતને ચકાસવામાં આવી રહ્યો છે. તપાસ દરમિયાન મોટા પ્રમાણમાં વાંધાજનક દસ્તાવેજો અને ડિજિટલ ડેટા જપ્ત કરવામાં આવ્યો હોવાની ચર્ચા છે. અધિકારીઓની ટીમ સતત બીજા દિવસે પણ શોરૂમ પર ખડેપગે રહીને એક-એક વ્યવહારની ઝીણવટભરી તપાસ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે એસ્ટ્રોન ચોક એ રાજકોટમાં મોબાઈલના વેપારનું મુખ્ય હબ હોય આ વિસ્તારના અગ્રણી સ્ટોર પર દરોડા પડતા અન્ય વેપારીઓ પણ સતર્ક થઈ ગયા છે. બજારમાં ચર્ચાઓ ચાલી રહી છે કે આગામી દિવસોમાં તપાસનો વ્યાપ વધી શકે છે અને અન્ય મોટા શોરૂમ્સ પણ જીએસટીના દાયરામાં આવી શકે છે. જોકે, જીએસટી વિભાગ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર આંકડાકીય માહિતી જાહેર કરવામાં આવી નથી, પરંતુ પ્રાથમિક અંદાજ મુજબ કરોડો રૂપિયાની ટેક્સ ચોરી બહાર આવે તેવી શક્યતા છે.