ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ માટે માત્ર નીતિન નબીને જ ઉમેદવારી પત્ર ભર્યું, કાલે પદભાર સંભાળે તેવી શક્યતા
નવી દિલ્હી : ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી માટેની પ્રક્રિયા આજથી શરૂ થઇ છે. જેમાં ભાજપના કાર્યકરી નીતિન નબીને રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે પોતાનું ઉમેદવારીપત્ર ભર્યું હતું. જોકે, તેમના સિવાય અન્ય કોઇએ ઉમેદવારી પત્ર ન ભરતા તે બિનહરીફ ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ બને તેવી શક્યતા છે. આ પ્રસંગે ભાજપ મુખ્યાલયમાં પાર્ટીના અનેક વરિષ્ઠ નેતાઓ હાજર હતા.
પીએમ મોદી નીતિન નબીનના પ્રસ્તાવક બન્યા
ભાજપ મુખ્યાલયમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, રાજનાથ સિંહ, જેપી નડ્ડા અને નીતિન ગડકરી હાજર હતા. પીએમ મોદી નીતિન નબીનના પ્રસ્તાવક બન્યા છે. આ અંગે મળતી માહિતી મુજબ ભાજપના નવા અધ્યક્ષની ચૂંટણી 20 જાન્યુઆરીએ યોજાવાની છે. નવા અધ્યક્ષનું નામ પણ 20 જાન્યુઆરીએ જાહેર કરવામાં આવશે. આ કાર્યક્રમમાં તમામ મુખ્યમંત્રીઓ, ભાજપના તમામ પ્રદેશ પ્રમુખો અને અનેક અગ્રણી નેતાઓ હાજર રહેશે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી માટે તૈયાર કરાયેલી મતદાર યાદીમાં 5,708 મતદારો છે. આ મતદાર યાદી 30 રાજ્યોમાંથી તૈયાર કરવામાં આવી છે જ્યાં સંગઠનાત્મક ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. આ યાદીમાં રાષ્ટ્રીય પરિષદ અને રાજ્ય પરિષદના નેતાઓના નામ શામેલ છે. રાષ્ટ્રીય પરિષદના સંસદીય પક્ષમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, જેપી નડ્ડા અને રાજનાથ સિંહ સહિત 35 સભ્યોનો સમાવેશ થાય છે.
નીતિન નબીન ભાજપના સૌથી યુવા રાષ્ટ્રીય અધ્યક્ષ બનશે
નીતિન નબીન બિહારથી પાંચ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે અને 15 ડિસેમ્બરે તેમને ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 46 વર્ષના નીતિન નબીન ભાજપના સૌથી યુવા રાષ્ટ્રીય અધ્યક્ષ બનશે.નીતિન નબીને પોતાને સમર્પિત પક્ષ નેતા તરીકે સ્થાપિત કર્યા છે. તેમની નિમણૂકને પક્ષમાં નોંધપાત્ર પરિવર્તનના સંકેત તરીકે જોવામાં આવી રહી છે.