Tue Jan 20 2026

Logo

White Logo

અમદાવાદમાં 'ત્રિપલ અકસ્માત': : ડિવાઇડર કુદીને ST બસમાં ટકરાયેલી ફોર્ચ્યુનરનો કચ્ચરઘાણ વળ્યો, એકનું મોત

1 day ago
Author: Himanshu Chavada
Video

અમદાવાદ: અકસ્માતોની અમદાવાદમાં નવાઈ ન રહી હોય એવું લાગી રહ્યું છે. ગઈકાલે આસ્ટોડિયા દરવાજા પાસેના BRTS સ્ટેશન ખાતે પૂરઝડપે જઈ રહેલી એક્ટિવાનો અકસ્માત થયો હતો. આ ઘટનાને હજુ ચોવીસ કલાક જેટલો જ સમય થયો છે, ત્યારે હવે આજે ફરી એક નવો અકસ્માત સર્જાઈ ગયો છે. વૈષ્ણવદેવી સર્કલ પાસે આજે વહેલી સવારે એક ભયાનક અકસ્માત સર્જાયો છે, જેમાં ફોર્ચ્યુનર કાર અને એસટી બસ વચ્ચેની જોરદાર ટક્કરમાં એક વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું છે.

બસ અને ફોર્ચ્યુનરને અડફેટે આવી બ્રેઝા કાર

18 જાન્યુઆરી 2026ને, રવિવારના રોજ વહેલી સવારે એક ST બસ હિંમતનગરથી રાજકોટ તરફ જઈ રહી હતી. બસ જ્યારે અમદાવાદના વૈષ્ણવદેવી સર્કલ પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે સામેની બાજુના રોડ પરથી પૂરઝડપે આવી રહેલી ફોર્ચ્યુનર કારના ડ્રાઇવરે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો.  GJ 18 EF 0009 નંબર પ્લેટવાળી ફોર્ચ્યુનર કાર ડિવાડર કુદીને બસમાં અથડાઈ હતી.

ફોર્ચ્યુનર કારની ટક્કર એટલી જોરદાર હતી કે એસટી બસ પણ ડિવાઈડર પર ચઢી ગઈ હતી. આ દરમિયાન એક બ્રેઝા કાર પણ અકસ્માતની ઝપેટમાં આવી ગઈ હતી, જેના કારણે આ 'ત્રિપલ અકસ્માત' સર્જાયો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે તેમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું છે, જ્યારે ત્રણથી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

ઈજાગ્રસ્ત થયેલા ત્રણેય લોકોને તાત્કાલિક 108 મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જ્યારે ફોર્ચ્યુનર કારનો કચ્ચરઘાણ બોલી ગયો છે અને રસ્તા પર ગાડીના ટુકડાઓ વિખેરાઈ ગયા હતા. બ્રેઝા કારને પણ મોટું નુકસાન થયું છે. અકસ્માતને પગલે એસજી હાઈવે પર વહેલી સવારે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. બનાવની જાણ થતા જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી, ક્રેઈન દ્વારા ક્ષતિગ્રસ્ત વાહનોને રોડ પરથી દૂર કરી ટ્રાફિક હળવો કરવાની કામગીરી હાથ ધરી છે.