Tue Jan 20 2026

Logo

White Logo

અમદાવાદમાં કેજરીવાલના કાર્યક્રમનું સ્થળ બદલાયું : પ્લોટનું બુકિંગ રદ થતા 'આપ'નો ભાજપ પર પ્રહાર

1 day ago
Author: Devayat Khatana
Video

(અમારા પ્રતિનિધિ તરફથી) 

અમદાવાદઃ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે. અમદાવાદ એરપોર્ટ પર ઉતરાણ કરતા જ આપના નેતાઓ અને કાર્યકર્તાઓએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. એરપોર્ટ પર મીડિયા સાથેની વાતચીતમાં કેજરીવાલે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, છેલ્લા 30 વર્ષમાં ભાજપે ગુજરાતને ખાડામાં ધકેલી દીધું છે. 

તેમણે ગંભીર આક્ષેપ કર્યો હતો કે ગુજરાતમાં હાલ ભાજપનું શાસન નહીં, પરંતુ ભયનું શાસન ચાલી રહ્યું છે અને ભ્રષ્ટાચાર સામે કોઈ અવાજ ઉઠાવી શકતું નથી. ગુજરાત પ્રવાસના પ્રથમ દિવસે જ અમદાવાદના નિકોલમાં યોજાનારા મધ્ય ઝોન બુથ કાર્યકર્તા સંમેલનમાં મોટો વળાંક આવ્યો હતો. 

આમ આદમી પાર્ટી (આપ)એ આક્ષેપ કર્યો છે કે ભાજપના દબાણ અને ધાક-ધમકીને કારણે પાર્ટી પ્લોટના માલિકે છેલ્લી ઘડીએ બુકિંગ કેન્સલ કર્યું હતું. રૂ. 2.30 લાખ ચૂકવ્યા હોવા છતાં સ્થળ ન મળતા, આ કાર્યક્રમ સાણંદ-બાવળા રોડ પર આવેલા લોદરીયાલ ગામે ખસેડવામાં આવ્યો હતો. આપે આક્ષેપ કર્યો હતો કે આ પ્રકારની કાર્યવાહી વિપક્ષના અવાજને દબાવવાનો પ્રયાસ છે.

ઉલ્લેખનીય છે કે આગામી દિવસોમાં આમ આદમી પાર્ટી રાજ્યના 7 ઝોનમાં બુથ કાર્યકર્તા સંમેલનો યોજીને સંગઠનને મજબૂત કરવા જઈ રહી છે. ભાજપની રણનીતિની જેમ જ આપ પણ હવે બુથ લેવલ પર કાર્યકર્તાઓને તૈયાર કરવા પર ભાર મૂકી રહી છે. 

આવતીકાલે વડોદરા ખાતે પૂર્વ ઝોનનું કાર્યકર્તા સંમેલન યોજાશે, જેમાં અરવિંદ કેજરીવાલ અને પ્રદેશ પ્રભારી ગોપાલ રાય સહિતના દિગ્ગજ નેતાઓ હાજરી આપશે અને કાર્યકર્તાઓને સંબોધિત કરી આગામી રણનીતિ અંગે માર્ગદર્શન પૂરું પાડશે.