Tue Jan 20 2026

Logo

White Logo

રૅન્કિંગ્સમાં કોહલીની વિરાટ છલાંગ, : રોહિતનું સિંહાસન છીનવી શકે

1 month ago
Author: Ajay Motiwala
Video

દુબઈઃ અહીં મેન્સ વન-ડેના બૅટિંગ રૅન્કિંગ્સ જાહેર કરનાર ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા નવા ક્રમાંકો (RANKINGS) જાહેર કરવામાં આવ્યા છે જે મુજબ ટોચના રૅન્કિંગમાં હવે રોહિત શર્માની સાથે વિરાટ કોહલીની પણ કમાલ જોવા મળી રહી છે.

વાત એવી છે કે કિંગ કોહલી (KOHLI)એ વન-ડેના બૅટ્સમેનોના ક્રમાંકોમાં મોટી છલાંગ લગાવી છે. તે પ્રથમ ક્રમાંક પર તો નથી પહોંચ્યો, પરંતુ તેણે રોહિત શર્માની ગાદીને પડકારી તો છે જ. નવાઈની વાત એવી છે કે આ બન્ને દિગ્ગજની સંપૂર્ણ નિવૃત્તિની વાતો થઈ રહી છે ત્યારે જ તેમણે અસલ રૂપ દેખાડ્યું છે. ખાસ કરીને કોહલીએ સાઉથ આફ્રિકા સામે તાજેતરમાં ભારતના 2-1ના વિજય સાથે પૂરી થયેલી વન-ડે શ્રેણીમાં જે કમાલ બતાવી એનો તેને રૅન્કિંગમાં મોટો ફાયદો થયો છે.

રોહિત-કોહલી વચ્ચે આઠ પૉઇન્ટનો તફાવત

રોહિત શર્માએ વન-ડેના રૅન્કિંગમાં પ્રથમ નંબર જાળવી રાખ્યો છે અને હવે કોહલી બીજા નંબર પર આવી ગયો છે. રોહિત શર્મા 781ના રેટિંગ સાથે મોખરે છે તો કોહલી 773ના રેટિંગ સાથે બીજા નંબર પર આવી ગયો છે. બીજી રીતે કહીએ તો રોહિતથી કોહલી માત્ર આઠ પૉઇન્ટ પાછળ છે.

હવે ભારતની વન-ડે શ્રેણી જાન્યુઆરીમાં

હાલમાં ભારતીય ક્રિકેટરોની સાઉથ આફ્રિકા વિરુદ્ધ ટી-20 સિરીઝ ચાલી રહી છે. ભારતની આગામી વન-ડે શ્રેણી આવતા મહિને (11થી 18 જાન્યુઆરી) ઘરઆંગણે ન્યૂ ઝીલૅન્ડ સામે રમાશે જેમાં રોહિત પાસેથી તેનો મિત્ર કોહલી નંબર-વનની રૅન્ક છીનવી શકશે કે કેમ એ જોવું રહ્યું.

વન-ડેના બોલર્સમાં અફઘાનિસ્તાનનો રાશીદ ખાન અને ઑલરાઉન્ડર્સમાં તેના જ દેશનો અઝમતુલ્લાહ ઓમરઝાઈ નંબર-વન છે.

વન-ડેના ટૉપ-ટેન બૅટ્સમેન

ક્રમ    ખેલાડી    રેટિંગ

1    રોહિત શર્મા    781
2    વિરાટ કોહલી    773
3    ડેરિલ મિચલ    766
4    ઇબ્રાહિમ ઝડ્રાન    764
5    શુભમન ગિલ    723
6    બાબર આઝમ    722
7    હૅરી ટેક્ટર    708
8    શાઇ હોપ    701
9    ચરિથ અસલંકા    690
10    શ્રેયસ ઐયર    679