Tue Jan 20 2026

Logo

White Logo

પ્લાસ્ટિક મુક્ત અમદાવાદ: હવે હાઈકોર્ટે AMC : ને 'રિવર્સ વેન્ડિંગ મશીનો' સ્થાપવા આપ્યો આદેશ...

2 days ago
Author: Devayat Khatana
Video

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ
: ગુજરાત હાઈકોર્ટે શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવાની દિશામાં એક મહત્વનો આદેશ આપ્યો હતો. ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ ડી.એન. રાયની બેન્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને પાણીની બોટલો ક્રશ કરવા અને પ્લાસ્ટિક કચરાના યોગ્ય નિકાલ માટે રિવર્સ પ્લાસ્ટિક વેન્ડિંગ મશીનો સ્થાપિત કરવા મૌખિક સૂચના આપી હતી. કોર્ટે ખાસ કરીને ફ્લાવર શો જેવા જાહેર કાર્યક્રમોમાં જ્યાં લોકોની મોટી ભીડ એકઠી થાય છે, ત્યાં આવા મશીનો મૂકવા અને લાઉડસ્પીકર દ્વારા લોકોને પ્લાસ્ટિકનો યોગ્ય નિકાલ કરવા પ્રેરિત કરવા જણાવ્યું હતું.

ગિરનાર અને અમદાવાદ શહેરમાં કચરાના નિકાલ અંગે  કરવામાં આવેલી જાહેર હિતની અરજી પર સુનાવણી દરમિયાન અમદાવાદ મનપાએ સોગંદનામું રજૂ કર્યું હતું. અમદાવાદ મનપાએ જણાવ્યું હતું કે નવેમ્બર 2025 થી જાન્યુઆરી 2026 દરમિયાન શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક સામે કડક ઝુંબેશ ચલાવવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન 74,536 થી વધુ એકમોની તપાસ કરવામાં આવી હતી અને 15,300 થી વધુ એકમોને નોટિસ પાઠવવામાં આવી હતી. આ દરોડામાં આશરે 1,238.7 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી રૂ. 43 લાખથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો હતો.

મળતી વિગતો અનુસાર, પ્લાસ્ટિક મુક્ત શહેર માટે અમદાવાદ મનપા હવે શાકભાજી અને ફળ માર્કેટ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. શહેરના 10 મુખ્ય બજારો અને 34 સ્થાનિક ક્લસ્ટરોની ઓળખ કરવામાં આવી હતી, જ્યાં વિક્રેતાઓને 'પ્લાસ્ટિક-મુક્ત' વિસ્તાર જાહેર કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પહેલ હેઠળ 1,050 જેટલા વિક્રેતાઓને સાંકળી લેવામાં આવ્યા હતા અને ગ્રાહકોને વિતરણ કરવા માટે તેમને કાપડની થેલીઓ પૂરી પાડવામાં આવી હતી. 

બીજી તરફ, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે કોર્ટને જાણ કરી હતી કે રાજ્યની 152 નગરપાલિકાઓમાંથી 104 નગરપાલિકાઓએ હજુ સુધી વેસ્ટ પ્રોસેસિંગ માટે મટીરીયલ રિકવરી ફેસિલિટી સ્થાપવા બાબતે એમઓયુ કર્યા નથી. હાઈકોર્ટે આ ગંભીર બેદરકારીને રાજ્ય મોનિટરિંગ કમિટીના ધ્યાન પર લાવવા નિર્દેશ આપ્યો હતો. આ કેસની વધુ સુનાવણી હવે 6 માર્ચના રોજ હાથ ધરવામાં આવશે.