Tue Jan 20 2026

Logo

White Logo

ગુજરાત સરકાર એઆઇ આધારિત પોર્ટલ તૈયાર કરશે : તમામ વિભાગોને ડેટા અપડેટ કરવા આદેશ

1 month ago
Author: Chandrakant Kanoja
Video

અમદાવાદઃ ગુજરાત સરકારે કાયદા, નિયમો, ઠરાવો, જાહેરનામાં અને પરિપત્રોને એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવા આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્ટ (એઆઇ) આધારિત સર્ચ સુવિધાવાળુ સેન્ટ્રલ પોર્ટલ શરૂ કરવા મહત્વનો નિર્ણય કર્યો છે. આ સમગ્ર કવાયત પાછળનો સરકારનો હેતુ સરકારી કામકાજમાં પારદર્શિતા અને કાર્યક્ષમતા વધારવાનો છે.  આ પોર્ટલને કાર્યક્ષમ બનાવવા માટે તમામ વિભાગોને પાંચ દિવસની અંદર તમામ સરકારી દસ્તાવેજોની સંપૂર્ણ વિગતો ગૂગલ શીટમાં અપડેટ કરવા તાકીદના આદેશો આપવામાં આવ્યા છે. મુખ્યપ્રધાન કાર્યાલય (સીએમઓ)એ પણ દરરોજ પ્રગતિની સમીક્ષા શરૂ કરી દીધી છે.

મહત્ત્વના અને અપલોડ ન થયેલા ઠરાવો ઉમેરવા આદેશ કરાયો

રાજ્ય સરકારના તમામ વિભાગોને પોર્ટલ માટે જરૂરી માહિતી પૂરી પાડવા જણાવવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, દરેક વિભાગને તાત્કાલિક આ કામગીરી પૂર્ણ કરવા આદેશ કરાયો છે. એમાં બધા કાયદા / નિયમ / જીઆર / પરિપત્રોની માહિતી અપડેટ કરવા, જૂના, રદ કરાયેલા અને બિનઅસરકારક દસ્તાવેજો દૂર કરવા, મહત્ત્વના અને અપલોડ ન થયેલા ઠરાવો ઉમેરવા આદેશ કરાયો છે.

ભારતમાં અનોખો પ્રયાસ બની શકે છે

આ સેન્ટ્રલ પોર્ટલની મદદથી સામાન્ય નાગરિકને જરૂરી દસ્તાવેજની જ્યારે જરૂર પડે ત્યારે એક ક્લિકમાં મળી રહેશે. સરકારના નિર્ણયોમાં ટ્રાન્સપરન્સી અને જવાબદારી વધશે. બેવડાં ઠરાવો અને ગૂંચવણ દૂર થશે. એઆઈ આધારિત સર્ચથી ઝડપી અને ચોક્કસ માહિતી ઉપલબ્ધ થશે. આ પોર્ટલ શરૂ થયા પછી રાજ્યના તમામ કાયદા અને શાસન નિર્ણયો એક જ પ્લેટફોર્મ પર સરળ શોધ વ્યવસ્થા સાથે ઉપલબ્ધ થઈ જશે, જે ભારતમાં અનોખો પ્રયાસ બની શકે છે.

સરકારી દસ્તાવેજ એક જ પોર્ટલ પર ઉપલબ્ધ થશે

ગુજરાત સરકારના વિવિધ વિભાગો દ્વારા થતા ઠરાવ, પરિપત્ર, જાહેરનામાની કોપી કે વિગત જોઈતી હોય તો અત્યારે જે-તે વિભાગની વેબસાઈટ પર જવું પડે છે અને ત્યાંથી એ માહિતી મેળવવી પડે છે. અરજદારે જે કોઈ વિભાગની માહિતી જોઈતી હોય એ વિભાગની વેબસાઈટ પર જવું પડતું હોય છે, જે હવે એઆઈ આધારિત પોર્ટલ શરૂ થયા બાદ તમામ વિભાગની માહિતી એક જ જગ્યાએથી મળી રહેશે. અરજદારે રાજ્ય સરકારના વિભાગો કે બોર્ડ નિગમના જે પણ સરકારી દસ્તાવેજની જરૂર હશે એ એક જ પોર્ટલ પર ઉપલબ્ધ થશે.