ગાંધીનગરઃ ગુજરાતમાંથી વધુ એક IASઅધિકારીને કેન્દ્રમાં ડેપ્યુટેશન પર મોકલવામાં આવ્યા છે. ગુજરાત કેડરના 2000 બેચના IAS અનુપમ આનંદને કેન્દ્રમાં ડેપ્યુટેશન પર મોકલાયા છે. તેઓને ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ હેઠળના ઈન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઈઝેશન સેન્ટરમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ નિમણૂક એપોઈન્ટમેન્ટ કમિટી ઓફ ધ કેબિનેટ દ્વારા મંજૂર કરવામાં આવી હતી અને તેની મુદત 5 વર્ષ માટે છે.
અનુપમ આનંદ ગુજરાતમાં કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટ તરીકે ફરજ બજાવતા હતા. તેમની આ નવી ભૂમિકામાં તેઓ ભારતના ખાનગી અવકાશ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા, નીતિ ઘડતર અને નિયમનકારી કાર્યોમાં મહત્ત્વની ભૂમિકા ભજવશે. ઈન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઈઝેશન સેન્ટર અવકાશ ક્ષેત્રમાં ભારતના ખાનગી રોકાણ અને નવીનતાને વેગ આપવા માટેની મુખ્ય સંસ્થા છે. આ સંસ્થા અમદાવાદમાં આવેલી છે.
અનુપમ આનંદે તેમની કારકિર્દી દરમિયાન કમિશનર ઓફ લેબર, સેક્રેટરી ટ્રાઈબલ ડેવલપમેન્ટ, મ્યુનિસિપલ કમિશનર જામનગર સહિત અનેક મહત્વની જવાબદારીઓ નિભાવી છે. તેઓ ઈન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઈઝેશન સેન્ટરમાં ફરજ દરમિયાન અવકાશ ક્ષેત્રને વેગ મળે તેવી કામગીરી કરશે.
તેઓ તેમના પૂર્વ અધિકારી લોચન સેહરાને સ્થાને આ પદ પર કાર્યભાર સંભાળશે. ગુજરાત કેડરના અધિકારીઓ માટે આવી કેન્દ્રીય નિમણૂકો તેમની ક્ષમતા અને વહીવટી અનુભવનું પ્રતિબિંબ છે.