ગાંધીનગર: નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB) ના તાજેતરના અહેવાલ મુજબ, વર્ષ ૨૦૨૦ થી ગુજરાત દેશમાં પોલીસ કસ્ટડીમાં થતા મોતના કિસ્સામાં મોખરે રહ્યું છે. વર્ષ ૨૦૨૩માં મહારાષ્ટ્ર ૧૭ મોત અને ગુજરાત ૧૩ મોત મળીને દેશના કુલ કસ્ટોડિયલ ડેથના અડધા હિસ્સા માટે જવાબદાર છે. ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં ૨૦૧૯-૨૦૨૩માં કુલ ૭૫ આરોપીઓના કસ્ટડીમાં મોત થયા હતા, જેમાં આત્મહત્યા અને બીમારી મુખ્ય કારણો દર્શાવવામાં આવ્યા હતા. નોંધવા જેવી બાબત એ છે કે, મોટાભાગના મોત રિમાન્ડ વગરની કસ્ટડી દરમિયાન થયા હતા.
રાજ્યમાં પોલીસ દ્વારા સ્વબચાવમાં ગોળીબાર કરવાના કિસ્સાઓ પણ ચર્ચામાં રહ્યા હતા. સપ્ટેમ્બર ૨૦૨૫માં ગાંધીનગરના અડાલજ પાસે ફેશન મોડલની હત્યાના આરોપી વિપુલ ઉર્ફે નીલ પરમારનું પોલીસ એન્કાઉન્ટરમાં મોત થયું હતું. પોલીસે દાવો કર્યો હતો કે આરોપીએ હથિયાર છીનવી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. આવો જ એક કિસ્સો ૨૦૨૧માં સુરેન્દ્રનગરમાં હનીફખાન જત મલેક અને તેના ૧૪ વર્ષના પુત્રના મોતમાં જોવા મળ્યો હતો. જોકે, આ કેસમાં સાત મહિનાની તપાસ બાદ પોલીસે તમામ આરોપી પોલીસકર્મીઓને ક્લીન ચિટ આપતો ક્લોઝર રિપોર્ટ કોર્ટમાં રજૂ કર્યો હતો.
છેલ્લા એક વર્ષમાં પોલીસ અત્યાચારના ચોંકાવનારા કિસ્સા સામે આવ્યા હતા. દેવભૂમિ દ્વારકામાં ૨૧ વર્ષીય કરણસિંહ જાડેજાએ પોલીસ મારથી કંટાળી ઝેર પી આત્મહત્યા કરી લીધી હતી, જેમાં બે પોલીસકર્મીઓ સામે ગુનો નોંધાયો હતો. બોટાદમાં ૧૭ વર્ષના સગીરને ગેરકાયદે અટકાયતમાં રાખી માર મારવા અને તેના દાદા-દાદી પાસેથી પૈસા પડાવવાનો કિસ્સો હાઈકોર્ટ પહોંચ્યો હતો. તે જ રીતે રાજકોટમાં પોલીસ સ્ટેશનના સ્ટાફ રૂમમાં એક સગીરના વાળ ખેંચી તેના પર અત્યાચાર ગુજારતો વીડિયો વાયરલ થયા બાદ રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ (NHRC) એ પણ આ મામલે કડક નોંધ લીધી હતી.
વર્ષ ૨૦૨૫ના અંતિમ મહિનાઓમાં પોલીસ દ્વારા આરોપીઓ પર ગોળીબારની ઘટનાઓમાં ઉછાળો જોવા મળ્યો હતો. નવેમ્બર અને ડિસેમ્બરના માત્ર ૫૦ દિવસના ગાળામાં ૮ જેટલી ઘટનાઓ બની હતી, જેમાં પોલીસે આરોપીના પગમાં ગોળી મારી તેમને ઈજાગ્રસ્ત કર્યા હતા. આમાં રાજકોટ ગ્રામ્યમાં સગીરા પર બળાત્કાર કરનાર રામસિંગ દુડવા, સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા પકડાયેલા બુટલેગર અશોક બિશ્નોઈ અને સુરેન્દ્રનગરના રાયોટિંગના આરોપીઓનો સમાવેશ થાય છે. મોટાભાગના કિસ્સામાં 'ક્રાઈમ સીન રિકન્સ્ટ્રક્શન' વખતે આરોપીએ હુમલો કર્યો હોવાનું પોલીસનું કારણ રહ્યું હતું.
રાજ્યમાં વધી રહેલા આ કિસ્સાઓ વચ્ચે માનવાધિકાર કાર્યકર્તાઓ અને ન્યાયતંત્રની ભૂમિકા મહત્વની બની હતી. એક તરફ રાજ્યના ગૃહ વિભાગે મહિલાઓ વિરુદ્ધના ગુનાઓમાં કડક વલણ અપનાવ્યું હતું, તો બીજી તરફ કસ્ટડીમાં થતા મોત અને પોલીસ અત્યાચાર સામે કોર્ટમાં અનેક અરજીઓ પેન્ડિંગ છે. NCRB ના આંકડા દર્શાવે છે કે પોલીસ કસ્ટડીમાં થતા મોતની સંખ્યામાં નજીવો ઘટાડો થયો હોવા છતાં, માનવીય અધિકારોના રક્ષણ માટે હજુ લાંબી મજલ કાપવાની બાકી છે.