ગાંધીનગર: ગુજરાતના આર્થિક કેન્દ્ર સમાન ગિફ્ટ સિટીને વૈશ્વિક સ્તરે લઈ જવા સરકારે વધુ એક મોટી પહેલા કરી છે. જે અંતર્ગત રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ ગઈકાલે ગિફ્ટ સિટી ખાતે દેશ-વિદેશની 100થી વધુ ટોચની રેસ્ટોરન્ટ બ્રાન્ડ્સના પ્રતિનિધિઓ સાથે બેઠક કરી હતી. જેમાં તેમણે બ્રાન્ડ્સને ગાંધીનગરના ઈન્ટરનેશનલ ફિનટેક સિટી તથા રાજ્યના અન્ય સ્થળોએ પોતાની બ્રાંચ શરૂ કરવા આમંત્રણ આપ્યું હતું.
શું હતો આ બેઠકનો હેતુ
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ બેઠકનો મુખ્ય હેતુ ટોચની રેસ્ટોરન્ટ બ્રાન્ડ્સના પ્રતિનિધિઓને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા પ્રોસ્તાહનો અને અન્ય લાભ વિશે માહિતગાર કરવાનો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે, અમદાવાદ આગામી વર્ષોમાં 2030 કોમનવેલ્થ ગેમ્સ સહિતની આંતરરાષ્ટ્રીય રમતગમતની સ્પર્ધાઓનું યજમાન બનવાનું છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રેસ્ટોરન્ટ બ્રાન્ડ્સની હાજરી રાજ્યમાં એકંદરે સ્પોર્ટિંગ ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવશે.
શું બોલ્યા હર્ષ સંઘવી
હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આ બેઠકનો ઉદ્દેશ્ય ગિફ્ટ સિટી તેમજ ગુજરાતના અન્ય પ્રવાસન અને બિઝનેસ હબના વિસ્તરણ અને વિકાસને વધુ સરળ બનાવવાનો હતો. અમે તેમને ખાતરી આપી છે કે તેમને જરૂરી તમામ સહયોગ પૂરો પાડવામાં આવશે. ગુજરાત ઝડપથી વિકાસ કરી રહ્યું છે અને સારી ગુણવત્તાની રેસ્ટોરન્ટ્સ માટે અહીં વ્યવસાયની ઉત્તમ તકો છે.
Today, more than 100 leading F&B (restaurant) owners from across the nation were present.
— Harsh Sanghavi (@sanghaviharsh) January 18, 2026
We had a detailed discussion and invited them to explore opportunities to open their restaurants in GIFT City.
GIFT City is emerging as a global destination. https://t.co/4EqbK7QG4P
નાયબ મુખ્ય પ્રધાને ઉમેર્યું હતું કે, ગિફ્ટ સિટીમાં વિદેશથી તેમજ દેશના અન્ય ભાગોમાંથી આવતા કર્મચારીઓની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને, આ આંતરરાષ્ટ્રીય ફિનટેક સિટીમાં શ્રેષ્ઠ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વાનગીઓ ઉપલબ્ધ થાય તે માટે પગલાં લેવામાં આવી રહ્યા છે. અમારો હેતુ માત્ર ગિફ્ટ સિટીમાં 'ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ'સુનિશ્ચિત કરવાનો જ નથી, પરંતુ 'ઇઝ ઓફ લિવિંગ' સુનિશ્ચિત કરવાનો પણ છે. અમે તમામ ટોચની રેસ્ટોરન્ટ બ્રાન્ડ્સ ત્યાં પોતાની હાજરી નોંધાવે તે માટે પ્રયત્નો કરી રહ્યા છીએ.
ઉલ્લેખનીય છે કે, ડિસેમ્બર 2025માં રાજ્ય સરકારે ગિફ્ટ સિટીને ગ્લોબલ ઈકો સિસ્ટમ પૂરી પાડવા માટે દારૂબંધીના નિયમોમાં મહત્ત્વપૂર્ણ સુધારો કર્યો હતો. જે મુજબ, હવે ગુજરાત બહારથી આવતા મુલાકાતીઓ અને વિદેશી નાગરિકોએ દારૂ પીવા માટે કોઈ પણ પ્રકારની હંગામી પરમિટ લેવાની જરૂર રહેશે નહીં. તેઓ માત્ર પોતાનું ઓળખપત્ર બતાવીને સુવિધાનો લાભ લઈ શકશે. સાથે જ અહીં કામ કરતા કર્મચારીઓ માટે મહેમાનોની મર્યાદામાં પણ વધારો કરવામાં આવ્યો હતો.