Tue Jan 20 2026

Logo

White Logo

એકસ્ટ્રા અફેરઃ : મુલાયમ પરિવારની યાદવાસ્થળી, પ્રતીક નબળા મનનો માણસ કહેવાય

2 hours from now
Author: Mumbaisamachar Team
Video

ભરત ભારદ્વાજ

બિહારના લાલુપ્રસાદના પરિવારની યાદવાસ્થળી ચાલુ જ છે ત્યાં હવે ઉત્તર પ્રદેશના સૌથી મોટા યાદવ પરિવાર એવા મુલાયમસિંહના પરિવારનો ભવાડો બહાર આવ્યો છે. મુલાયમસિંહ યાદવનાં પુત્ર પ્રતીક યાદવે પોતાની પત્ની અપર્ણા યાદવને સોશ્યલ મીડિયા પર ગાળો ભાંડીને તેને ડિવોર્સ આપી દેવાનું એલાન કરી દીધું છે. મુલાયમના નાના દીકરા અને અખિલેશના સાવકા ભાઈ પ્રતીક યાદવનાં પત્ની અપર્ણા યાદવ 2022થી ભાજપમાં છે. 

પ્રતીકે આક્ષેપ મૂક્યો છે કે, અપર્ણાના કારણે તેના પારિવારિક સંબંધો બરબાદ થઈ ગયા છે. પોતે સતત માનસિક તણવામાં રહે છે પણ અપર્ણાને તેની કંઈ પડી જ નથી. અપર્ણાને પોતાના સિવાય કોઈની પરવા નથી, અપર્ણાને સત્તા અને નામના સિવાય બીજું કશું જોઈતું નથી. પ્રતીકે અપર્ણાને તેની જિંદગીમાં જોયેલી સૌથી ખરાબ વ્યક્તિ ગણાવીને તેની સાથે પોતે લગ્ન કર્યાં તેનો અફસોસ પણ વ્યક્ત કર્યો છે અને પોતે શકય એટલી ઝડપથી અપર્ણાને છૂટી કરી દેશે એવું પણ પ્રતીકે જાહેર કર્યું છે. 

અપર્ણાએ પ્રતીકની પોસ્ટનો કોઈ જવાબ આપ્યો નથી પણ મીડિયા અને સોશ્યલ મીડિયામાં આ મુદ્દો ગાજવા માંડ્યો છે. એક તરફ મુલાયમ યાદવના પરિવારની કરમકુંડળી ખોલીને તેની ચોવટ શરૂ થઈ ગઈ છે તો બીજી તરફ પ્રતીકને પુરુષવાદી માનિસકતા ધરાવતો રૂઢિચુસ્ત ગણાવવાથી માંડીને ભાજપ લોકોનાં ઘર ભંગાવે છે ત્યાં સુધીની કોમેન્ટ્સ થઈ રહી છે. સાવ ભૂલાઈ ગયેલાં અપર્ણા-પ્રતીક પણ લાઈમલાઈટમાં આવી ગયાં છે. 

આ લાઈમલાઈટ ક્યાં સુધી રહેશે તેનો આધાર પ્રતીક અને અપર્ણા પર છે. અપર્ણા યાદવ કે પ્રતીક બંનેમાંથી કોઈ એક મીડિયા સામે આવીને આપવિતી કહેવાનું ચાલુ રાખશે તો આ મુદ્દો વધારે ચગશે. બાકી બે-ચાર દિવસમાં આખું તોફાન શાંત થઈ જશે. અપર્ણા સમજદારી બતાવીને કંઈ ના બોલે ન એકલો પ્રતીક લવારા કર્યા કરે તો પણ લોકો અઠવાડિયામાં થાકી જશે તેથી વાત ઓલવાઈ જશે પણ અપર્ણા મોં ખોલીને બળતામાં ઘી હોમે  તો વધારે ભડકો થશે તેથી અત્યારે સૌની નજર અપર્ણા પર છે. 

પ્રતીક અને અપર્ણા લાંબા સમયથી અજ્ઞાતવાસમાં હતાં ને અચાનક ડિવોર્સની વાત આવી તેથી લોકોને આંચકો લાગ્યો છે પણ આ ઘટનાક્રમે પ્રતીકને નબળા મનનો માણસ સાબિત કર્યો છે. અપર્ણાની રાજકીય મહત્ત્વાકાંક્ષા નવી વાત છે જ નહીં અને તેના કારણે અપર્ણા અને અખિલેશ યાદવ વચ્ચે તો બહુ પહેલાં જ અંટસ પડી ગયેલી. આ અંટસના લીધે અપર્ણા 2022માં સમાજવાદી પાર્ટી છોડીને ભાજપમાં જોડાઈ એ વખતે પ્રતીક અપર્ણાની સાથે રહેલો. પ્રતીકને એ વખતે એમ હશે કે, અપર્ણાને ભાજપમાં તક મળશે ને તેની રાજકીય કારકિર્દી બની જશે તેથી પોતાને અખિલેશ કે બીજા કોઈની જરૂર પડવાની નથી. 

આ વાતને ત્રણ વર્ષ થયાં ને અત્યારે અપર્ણાનો કોઈ ભાવ પણ પૂછતું નથી. આ કારણે પ્રતીકને અત્યારે ના ઘરના ના ઘાટના જેવી લાગણી થઈ રહી હશે કેમ કે અપર્ણાને સાથ આપવાના શૂરાતનમાં અખિલેશ યાદવ સાથેના સંબધો બગડી ગયા ને અપર્ણાએ ભાજપમાં એવું કાઠું કાઢ્યું નથી કે જેનાથી પોતે આપેલો ભોગ લેખે લાગ્યો હોય એવું લાગે. બીજો કોઈ માણસ હોય તો રાહ જુએ પણ તેના બદલે પ્રતીક ઢીલો પડી ગયો તેના પરથી સ્પષ્ટ છે કે પ્રતીકમાં માનસિક રીત મજબૂત નથી. 

મજાની વાત એ છે કે, પત્નીને સાથ આપવાના બદલે એ પરિવાર સાથેના સંબધો બગડી ગયા તેનાં રોદણાં રડવા બેસી ગયો છે પણ યાદવ પરિવાર વાસ્તવમાં તેનો છે જ નહીં. પ્રતીક અને અપર્ણા ભલે મુલાયમ પરિવારમાંથી હોય પણ અખિલેશ સાથે તેમને સીધો સંબધ નથી કેમ કે પ્રતીક અખિલેશનો સગો ભાઈ કે મુલાયમસિંહનો સગો દીકરો નથી. પ્રતીક યાદવ સાથે અખિલેશ કે મુલાયમ બંનેમાંથી કોઈને લોહીનો સંબધ નથી. 

પ્રતીકનાં માતા સાધના ગુપ્તા મુલાયમની બીજી પત્ની હતાં. મુલાયમે માલતી દેવી સાથે પહેલાં લગ્ન કરેલાં. અખિલેશ માલતી દેવીનો પુત્ર છે અને માલતી દેવી યાદવ હતાં તેથી મુલાયમ યાદવનો રાજકીય વારસ બન્યો . 1980ના દાયકામાં મુલાયમ સાધના દેવીમાં લપટાયા ને છાનામાના પરણી ગયેલા. સાધનાનાં પણ આ બીજાં લગ્ન હતાં. સાધના ગુપ્તાનાં પહેલાં લગ્ન ચંદ્રપ્રકાશ ગુપ્તા સાથે થયેલાં ને આ લગ્નથી પ્રતીક જન્મ્યો હતો. 

સાધનાએ ચંદ્રપ્રકાશને ડિવોર્સ આપી મુલાયમ સાથે લગ્ન કર્યાં પછી પ્રતીકના પિતા તરીકે મુલાયમનું નામ લખાય છે પણ પ્રતીકને મુલાયમ સાથે લોહીનો સંબંધ નથી. પોતાની માતા મુલાયમને પરણી એટલે પ્રતીક મુલાયમનો સાવકો પુત્ર બન્યો છે. આ લગ્નના કારણે પ્રતીક મુલાયમ પરિવારમાં ભલે આવી ગયો પણ અખિલેશની જેમ મુલાયમના સાચા વારસ તરીકે સ્થાપિત થઈ શક્યો નથી. અપર્ણા પોતાની રાજકીય કારકિર્દી બનાવવા માગતી હતી ત્યારે આ જ કારણે યાદવ પરિવારમાંથી તેને કોઈનો સાથ નહોતો મળ્યો કેમ કે યાદવ પરિવારમાં અખિલેશ જ મુલાયમના વારસ તરીકે સ્વીકૃત છે. 

અપર્ણા યાદવ પરિવારમાં સ્વીકૃત ના બની તેનું કારણ એ છે કે, અપર્ણા યાદવ નહીં પણ ઠાકુર છે. અપર્ણાનું મૂળ નામ અપર્ણાસિંહ બિસ્ત છે. અપર્ણાના પિતા અરવિદ સિંહ બિશ્ત વરસોથી લખનઊમાં એક ટોચના અંગ્રેજી અખબારના બ્યૂરો ચીફ છે. 

પ્રતીક-અપર્ણા સ્કૂલમાં ભણતાં ત્યારે  બંને પ્રેમમાં પડ્યાં પછી પ્રતીકે પોતાની મા સાધના સાથે અપર્ણાનો પરિચય કરાવ્યો અને પોતાની ઓળખ આપી ત્યારે અપર્ણાને આઘાત લાગી ગયેલો. અપર્ણાએ પરિવારને પ્રતીક વિશે કશું નહોતું કહ્યું. મુલાયમે 2007માં સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ કરીને સાધના સાથેનાં લગ્ન સ્વીકાર્યાં પછી અપર્ણાએ પોતાના પરિવારને પ્રતીક વિશે જણાવેલું.

અરવિંદસિંહ  દીકરીની લવ સ્ટોરી સાંભળીને ભડકી ગયેલા ને પ્રતીક-અપર્ણાના મિલન પર પ્રતિબંધ મૂકી દીધેલો. બિસ્તે પછી અપર્ણાને ભણવા માટે યુ.કે. મોકલી દીધી. પ્રતીક પણ ભણવા યુ.કે. ઉપડી ગયો ને લવ સ્ટોરી આગળ ચાલી. વિદેશમાં બંને સાથે જ રહેતાં તેથી એટલાં આગળ વધી ગયેલાં કે તેમના સંબંધોને સ્વીકાર્યા વિના કોઈનો છૂટકો જ નહોતો તેથી લગ્ન કરાવી દીધાં પણ અપર્ણાને યાદવ પરિવારમાં મરતબો નથી મળ્યો. તેના કારણે જ સમસ્યા થઈ ને અપર્ણાએ બગાવત કરી નાંખેલી. 

મુલાયમ જીવતા હતા ત્યાં સુધી તેમણે બંને ભાઈને સાથે રાખવા મથામણ કરેલી પણ હવે મુલાયમ પણ નથી ને સાધના પણ નથી તેથી પ્રતીકે પત્નિ કે પરિવાર બેમાંથી કોઈની પસંદગી કરવી પડે એવી હાલત થઈ ગઈ છે. અખિલેશ સત્તામાં નથી પણ તેનો દબદબો છે જ્યારે અપર્ણા અત્યારે નૉબડી છે તેથી પ્રતીકને ડિવોર્સ લેવાનો વિચાર આવી ગયો હોય એ  શક્ય છે.