(અમારા પ્રતિનિધિ તરફથી)
જામનગર: જિલ્લાના ધ્રોલના જ્વેલર્સમાં થયેલી રૂ. 27.96 લાખની સનસનીખેજ ચોરીનો ભેદ જામનગર એલ.સી.બી.એ ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો હતો. ગત 14 જાન્યુઆરીની રાત્રે તસ્કરોએ નગરપાલિકા સામે આવેલી આ દુકાનની પાછળની દીવાલમાં બાકોરું પાડી અંદર પ્રવેશ કર્યો હતો અને સીસીટીવી કેમેરા પર કપડાં ઢાંકીને સોના-ચાંદીના દાગીનાની લૂંટ ચલાવી હતી.
પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચનાથી કાર્યરત એલ.સી.બી. પી.આઈ. વી.એમ. લગારીયા અને તેમની ટીમે ટેકનિકલ સર્વેલન્સ તથા બાતમીદારોના આધારે તપાસ તેજ કરી હતી. બાતમી મળી હતી કે આરોપીઓ ચોરીનો માલ લઈ મોટરસાયકલ પર જોડિયાથી ધ્રોલ તરફ આવી રહ્યા છે, જેના આધારે ચામુંડા પ્લોટ પાસે વોચ ગોઠવીને ત્રણ શખ્સોને આંતરવામાં આવ્યા હતા.
પોલીસની પકડમાં આવેલા આરોપીઓમાં હિંમત પાંગળા મહેડા, શૈલેષ નવલસિંગ મહેડા અને ટીનુ પાંગળા મહેડાનો સમાવેશ થાય છે, જેઓ મૂળ દાહોદના ધાનપુરના વતની છે અને હાલ જોડિયા તથા પડધરી પંથકમાં ખેતમજૂરી કરે છે. પોલીસે આ આરોપીઓ પાસેથી 175 ગ્રામ સોનું, 11 કિલો ચાંદી, 4 મોબાઈલ અને 2 મોટરસાયકલ સહિત કુલ રૂ. 27,96,100નો મુદ્દામાલ રિકવર કર્યો હતો. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે આ શખ્સો ખેતમજૂરીના બહાને રહીને રેકી કરતા હતા અને મોકો મળતા ચોરીને અંજામ આપતા હતા. હાલ પોલીસે ત્રણેયની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.