Tue Jan 20 2026

Logo

White Logo

બોરીવલીની જ્વેલરી શૉપમાંથી 6.80 કરોડના દાગીનાની ચોરી: બે સેલ્સમેન વિરુદ્ધ ગુનો : --

1 day ago
Author: Yogesh C Patel
Video

મુંબઈ: બોરીવલીમાં બનેલી આંચકાજનક ઘટનામાં જ્વેલરી શૉપના બે સેલ્સમેને જ અંદાજે 6.80 કરોડ રૂપિયાના સોના-હીરાના દાગીના ચોર્યા હતા. દુકાનમાલિકે નોંધાવેલી ફરિયાદને આધારે એમએચબી કૉલોની પોલીસે ગુનો નોંધી બન્ને સેલ્સમેનની શોધ હાથ ધરી હતી.

પોલીસ ફરિયાદ અનુસાર બન્ને આરોપીની ઓળખ રાજસ્થાનના વતની પ્રભુ સિંહ અને નારાયણ સિંહ તરીકે થઈ હતી. ઘટના પ્રકાશમાં આવી ત્યારથી બન્ને ફરાર થઈ ગયા હતા. પોલીસને શંકા છે કે બન્ને તેમના વતન રાજસ્થાન ગયા હશે. પોલીસની બે ટીમ આરોપીની શોધમાં રાજસ્થાન રવાના કરાઈ હતી.

બોરીવલીના ચિકુવાડી વિસ્તારમાં રહેતા દુકાન માલિક રાકેશ પોરવાલે નોંધાવેલી ફરિયાદમાં જણાવાયું હતું કે ચોરીની ઘટના મંગળવારની રાતે 10.30થી બુધવારની બપોરે દોઢ વાગ્યા દરમિયાન બની હતી. રાજસ્થાનના રાજસમદ જિલ્લામાં રહેતા અને દુકાનમાં સેલ્સમેન તરીકે કામ કરતા પ્રભુ સિંહ અને નારાયણ સિંહ રાતે કામ પત્યા પછી નજીકની લોજમાં જમીને દુકાનમાં જ સૂઈ જતા હતા.
દુકાનમાં દિવસ દરમિયાન વેચાણ માટે રાખવામાં આવેલા સોના-ચાંદી અને ડાયમંડના દાગીના રાતે દુકાન બંધ કરવા પહેલાં લોખંડની તિજોરીમાં મૂકી દેવામાં આવતા હતા. દુકાનમાં જ અંદરના ભાગમાં આવેલી નાની રૂમમાં આ તિજોરી રાખવામાં આવી હતી. બન્ને કર્મચારી પર ભરોસો હોવાથી તિજોરીની જવાબદારી ઝવેરીએ તેમને સોંપી હતી.

ફરિયાદ અનુસાર મંગળવારની રાતે એક ગ્રાહક મોડો આવતાં દુકાન બંધ કરવામાં મોડું થયું હતું. પરિણામે બન્ને સેલ્સમેનને દાગીના ધ્યાનથી તિજોરીમાં રાખવાનું કહી પોરવાલ ઘરે નીકળી ગયો હતો. બીજી સવારે દહાણુમાં કામ હોવાથી પોરવાલ ત્યાં ગયો હતો. બપોરે એક મહિલા કર્મચારીએ તેને કૉલ કર્યો હતો અને દુકાન બહારથી બંધ હોવાનું કહ્યું હતું. 

શંકા જતાં પોરવાલે બન્ને સેલ્સમેનનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બન્નેના મોબાઈલ સ્વિચ ઑફ્ફ આવતા હતા. તરત જ પોરવાલ બોરીવલી પહોંચ્યો હતો અને દુકાન ખોલતાં તેને આંચકો લાગ્યો હતો. બન્ને તિજોરી ખુલ્લી હતી અને તેમાંથી સોના-હીરાના દાગીના તેમ જ ચાંદીની લગડી મળી અંદાજે 6.80 કરોડ રૂપિયાની મતા ગુમ હતી. પોરવાલે આ મામલે પોલીસનો સંપર્ક સાધી ફરિયાદ નોંધાવી હતી. ક્રાઈમ બ્રાન્ચ પણ આ મામલે તપાસ કરી રહી છે.