અમરેલીમાં ભૂતપૂર્વ સંસદસભ્યના વાહનો પર સાંસદ લખેલી લાલ નેમપ્લેટના ઉપયોગ અંગે નવો વિવાદ ઉભો થયો છે, જેના કારણે નાયબ મુખ્ય પ્રધાન અને ગૃહ પ્રધાન હર્ષ સંઘવીને ફરિયાદ કરીને કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી.
સંઘવીને સોંપવામાં આવેલી લેખિત રજૂઆતમાં, અમરેલીના રહેવાસી નાથાલાલ સુખડિયાએ આરોપ લગાવ્યો હતો કે અમરેલીના ભૂતપૂર્વ સાંસદ નારણભાઈ કાછડિયા હવે આ પદ પર નથી રહ્યા છતાં તેમના વાહનો પર સાંસદ લખેલી લાલ બોર્ડ નેમપ્લેટ લગાવી રહ્યા છે.
ફરિયાદ મુજબ, તેમના નામે રજિસ્ટર્ડ બે ફોર વ્હીલર વાહનો પર સાંસદ લખેલી લાલ નેમપ્લેટ લગાવવામાં આવી છે. એવો આરોપ મૂકવામાં આવ્યો હતો આ કરવાથી ટ્રાફિકના નિયમોનું પાલન થતું નથી, ખોટી છાપ ઊભી થાય છે અને સત્તાનો રોફ જમાવવા આમ કરવામાં આવે છે.
ફરિયાદીએ જણાવ્યું હતું કે અગાઉ ૧૬ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ આરટીઓમાં પણ રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ, આરટીઓએ સ્પષ્ટતા કરી હતી કે જનતાને ગેરમાર્ગે દોરવા સંબંધિત કોઈપણ કાનૂની કાર્યવાહી પોલીસ વિભાગના અધિકારક્ષેત્ર હેઠળ આવે છે અને જિલ્લા પોલીસને યોગ્ય કાર્યવાહી કરવાની સલાહ આપી હતી.
દરમિયાન વિવાદનો જવાબ આપતા, ભૂતપૂર્વ સાંસદ નારણભાઈ કાછડિયાએ તમામ આરોપોને નકારી કાઢ્યા હતા અને પાયાવિહોણા ગણાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે વાહન પર તેમના સાંસદસભ્યનો કાર્યકાળ પણ જણાવવામાં આવ્યો છે.