નવી દિલ્હી: બિહાર વિધાનસભા અને મહારાષ્ટ્ર નગરપાલિકાની ચૂંટણીમાં AIMIM પાર્ટીનો ઉદય થયો છે. બિહાર વિધાનસભામાં પાંચ અને મહારાષ્ટ્ર નગરપાલિકાની ચૂંટણીમાં 126 બેઠકો પર જીત મળતાં અસદુદ્દીન ઓવૈસીનો આત્મવિશ્વાસ વધ્યો છે. જોકે, થોડા દિવસો અગાઉ તેઓ હિજાબ પહેરનારી મહિલા વડા પ્રધાન બને એવા નિવેદનને લઈને ચર્ચામાં આવ્યા હતા, પરંતુ ઓવૈસીએ ફરી આ જ પ્રકારનું નવું નિવેદન આપ્યું છે.
અમે અમારા સપનાં પૂરા ન કરી શકીએ?
મહારાષ્ટ્ર નગરપાલિકાની ચૂંટણી દરમિયાન ઓવૈસીએ હિજાબ પહેરનારી મહિલા વડા પ્રધાનનો ઉલ્લેખ કરીને નિવેદન આપ્યું હતું. આ નિવેદન કેટલું યોગ્ય કહેવાય એ અંગે મીડિયા દ્વારા અસદુદ્દીન ઓવૈસીને સવાલ પૂછતા તેમણે જવાબમાં કહ્યું હતું કે, "શું એવું કહેવું ગુનો છે કે, હું એક હિજાબ પહેરતી મહિલા દેશની વડા પ્રધાન બને એવું સપનું જોઉં છું? શું આપણે સપનું જોઈ નથી શકતા, શું અમે અમારા સપનાં પૂરા ન કરી શકીએ? શું ભારતનું બંધારણ આપણને આવું સપનું જોતા રોકે છે? જો કોઈને આનાથી વાંધો છે, તો તે પાકિસ્તાનની ભાષા બોલી રહ્યો છે."
અસદુદ્દીન ઓવૈસીએ તાજેતરમાં પોતાની પાર્ટીને મહારાષ્ટ્રમાં મળેલી બેઠકોને લઈને જણાવ્યું કે, "અમે 125 બેઠકો જીતી છે. 1 મહિના પહેલા લગભગ 75 બેઠકો જીતી હતી. જ્યારે તમે જનતાનું દિલ જીતો છો, ત્યારે તમારી જીત થાય છે. જો તમે જીતી નથી શકતા તો એ સ્પષ્ટપણે જણાઈ આવે છે કે, પાર્ટીમાં કેટલીક ખામી હોઈ શકે છે. અમે વર્ષાથી ગ્રાઉન્ડ લેવલ પર કામ કરી રહ્યા છીએ."
AIMIM બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં ભાગ લેશે?
સરકાર પર પ્રહારો કરતા અસદુદ્દીન ઓવૈસીએ જણાવ્યું હતું કે, "ભાજપ છેલ્લા 11 વર્ષોથી સત્તામાં છે. પરંતુ તે ભારત-બાંગ્લાદેશ બોર્ડર પર ફેન્સિંગ નથી કરી શકતી. બાંગ્લાદેશમાં અસ્થિરતા આપણા માટે સારી નથી. ટ્રમ્પના પ્રતિનિધિ કહે છે કે, મોદીજીએ ફોન નથી કર્યો. એટલે ટ્રેડ ડીલ નથી થઈ. આપણે ચીનને ભારતમાં રોકાણ કરવા માટે કહી રહ્યા છે. આ બધી વાતોનો જવાબ કોણ આપશે."
ઉલ્લેખનીય છે કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં AIMIM ભાગ લેશે કે નહીં, એવો સવાલ પણ અસદુદ્દીન ઓવૈસીને મીડિયા દ્વારા પૂંછવામાં આવ્યો હતો. જેના જવાબમાં ઓવૈસીએ જણાવ્યું હતું કે, "હું અમારી પાર્ટીના નેતાઓ સાથે વાત કરીશ, અમે યોગ્ય સમયે નિર્ણય લઈશું."