(અમારા પ્રતિનિધિ તરફથી)
ગાંધીનગર: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે રાજ્યના રાજકારણમાં એક મોટો વળાંક જોવા મળ્યો છે. શિક્ષણ અને નોકરીમાં 10 ટકા EWS અનામત મળ્યા બાદ હવે સવર્ણ સમાજ રાજકીય પ્રતિનિધિત્વ મેળવવા માટે કમર કસી રહ્યો છે. ગાંધીનગર ખાતે યોજાયેલી એક બેઠકે સાબિત કરી દીધું છે કે આગામી દિવસોમાં અનામતનો મુદ્દો ફરી એકવાર ગુજરાતની રાજનીતિના કેન્દ્રમાં રહેશે. આ બેઠક માત્ર ચર્ચા પૂરતી મર્યાદિત ન રહેતા, સત્તાધારી પક્ષ માટે એક ગંભીર પડકાર તરીકે ઉભરી રહી છે.
20 જાન્યુઆરી, મંગળવારના રોજ ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે પાટીદાર, ક્ષત્રિય અને બ્રાહ્મણ સહિત કુલ 58 સવર્ણ સમાજના આગેવાનોની મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અલ્પેશ કથીરીયા, દિનેશ બાંભણીયા, વરુણ પટેલ અને મનોજ પનારા જેવા દિગ્ગજ આંદોલનકારી નેતાઓ ફરી એકસાથે જોવા મળ્યા હતા. તમામ આગેવાનોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, જે રીતે આર્થિક રીતે નબળા વર્ગને શૈક્ષણિક લાભ મળે છે, તેવી જ રીતે નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓમાં પણ આ વર્ગ માટે બેઠકો અનામત રાખવી અનિવાર્ય છે.
સવર્ણ આગેવાનોનો તર્ક છે કે રાજકીય ક્ષેત્રે આર્થિક સ્થિતિને અવગણવામાં આવતી હોવાથી સવર્ણ સમાજનો ગરીબ વર્ગ નેતૃત્વથી વંચિત રહી જાય છે. જે રીતે ઓબીસી અનામત માટે ઝવેરી પંચના રિપોર્ટના આધારે બેઠકોની ફાળવણી કરવામાં આવી છે, તે જ રીતે EWS વર્ગને પણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ચોક્કસ હિસ્સેદારી મળવી જોઈએ. જો સરકાર આ દિશામાં નક્કર પગલાં નહીં ભરે, તો આગામી ચૂંટણીઓમાં સવર્ણ મતદારો પક્ષથી વિમુખ થઈ શકે છે તેવી ગર્ભિત ચેતવણી પણ આપવામાં આવી છે.
આ બેઠક બાદ આગેવાનોએ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું કે, આ લડાઈ કોઈ એક જ્ઞાતિની નથી પરંતુ તમામ આર્થિક રીતે પછાત સવર્ણોના હકની છે. આગામી દિવસોમાં આ મામલે મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ પ્રમુખને મળીને લેખિતમાં રજૂઆત કરવામાં આવશે. જો જરૂર પડશે તો તાલુકા અને જિલ્લા સ્તરે મોટા સંમેલનો યોજીને સરકાર પર દબાણ લાવવામાં આવશે. 58 સમાજોનું આ ગઠબંધન ચૂંટણીના સમીકરણો બદલવાની ક્ષમતા રાખે છે, જેની અસર આગામી દિવસોમાં સ્પષ્ટપણે જોવા મળી શકે છે.