(અમારા પ્રતિનિધિ તરફથી)રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકામાં આવેલા ચીભડા ગામની 11 એકર જમીન ભાજપના પૂર્વ સાંસદ દેવજી ફતેપરા અને ડેકોરા ગ્રુપના ઉદ્યોગપતિ જમનાદાસે પચાવી પાડી હોવાનો ખુલાસો થયો હોવાનું એક અહેવાલે જણાવ્યું હતું. સિંચાઈ વિભાગે સંપાદિત કરેલી જમીનના બન્નેએ દસ્તાવેજ બનાવી લીધા હોવાનો આક્ષેપ પણ તેમના પર હતો. હવે આ મામલે
રાજકોટ કલેક્ટરે જમીન સરકારની હોવાનો ઐતિહાસિક ચુકાદો આપી વેચાણ નોંધ મંજૂર કરવાની અપીલ ફગાવી દેતા સમગ્ર મામલો બહાર આવ્યો હોવાનું અહેવાલો દ્વારા જાણવા મળ્યું હતું.
અમદાવાદઃ
લોધિકા તાલુકાના ચીભડા ગામમાં 35 વર્ષ પહેલાં 1982માં દુષ્કાળના સમયે રાહત કામગીરી અંતર્ગત હરીપર-તરવાડા ગામે તળાવ બનાવવા માટે સરકારે ચીભડા ગામની અંદાજે 11 એકર જમીન સંપાદિત કરી હતી. જે તે સમયે જમીનના મૂળ માલિકોને સરકાર દ્વારા યોગ્ય વળતર પણ ચૂકવી દેવામાં આવ્યું હતું. વર્ષો બાદ 2021માં સરકારી જમીન પર ખાનગી વ્યક્તિઓ દ્વારા સોદા કરીને દસ્તાવેજ બનાવી દેવામાં આવ્યા હોવાની વિગતો સામે આવી હતી.
આ જગ્યા દુકાળ બાદ 1982મા તળાવ બનાવવા માટે સિંચાઈ વિભાગે સંપાદિત કરી હતી. 11 એકરની જમીન સંપાદિત કરવા સરકારે મૂળમાલિકને વળતર પણ ચૂકવી દીધું હતું. વર્ષ 2021માં આ જમીનના દસ્તાવેજો બનાવી દેવાનું બહાર આવ્યું હતું. સિંચાઈ વિભાગે જમીન સરકાર હસ્તકની નોંધ ચડાવી ન હતી. આથી ખુલ્લી જમીન હોવાથી ટેકનીકલ ભૂલનો લાભ લઈ કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું હતું. એક જાગૃત નાગરિકે આ મામલે ધ્યાન દોરતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો.
રાજકોટ કલેક્ટરે તમામ રેકર્ડ તપાસ્યા બાદ સિંચાઈ વિભાગે કાયદેસર રીતે જમીન સંપાદિત કરેલી છે. તે વેચવાનો તેમને કોઈ અધિકાર નથી. આ સાથે કલેક્ટરે સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ અને ઉદ્યોગપતિની દલીલો ન સ્વીકારતા જમીન સરકારની હોવાનો હુકમ કરી વેચાણ નોંધ રદ કરવાનો નિર્ણય લીધો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.