અમદાવાદ : સુરતની લાજપોર જેલમાં દુષ્કર્મના કેસમાં આજીવન કારાવાસની સજા ભોગવી રહેલા આસારામના પુત્ર નારાયણ સાંઈએ પોતાની સજા સસ્પેન્ડ કરવા હાઇકોર્ટમાં અરજી કરી હતી. ગુજરાત હાઇકોર્ટે અરજી સંદર્ભે પીડિતા અને રાજ્ય સરકારને નોટિસ પાઠવીને વધુ સુનાવણી 26 ફેબ્રુઆરીએ રાખી છે. વર્ષ 2019માં સુરતની સેશન્સ કોર્ટ દ્વારા નારાયણ સાંઈને દુષ્કર્મના કેસમાં આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવી હતી. આ કેસમાં તેમને બળાત્કાર, અનૈતિક સંબંધો અને અન્ય આરોપો હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યા હતા. નારાયણ સાંઈ ડિસેમ્બર 2013થી જેલમાં બંધ છે.
આસારામને મળવા નારાયણ સાંઈએ હંગામી જામીન માંગ્યા હતા
નારાયણ સાંઈના પિતા આસારામ પણ દુષ્કર્મના કેસમાં હંગામી જામીન ઉપર બહાર છે. આ અગાઉ આસારામને મળવા જવા નારાયણ સાંઈએ હંગામી જામીન માંગ્યા હતા. ત્યારે સરકારી વકીલે નારાયણ સાંઈની વર્તણૂક અને તેને છોડવાથી ઉભી થનારી પરિસ્થિતિ અંગે કોર્ટને જાણ કરી હતી. તે 12 વર્ષથી જેલમાં છે. વર્ષ 2021માં અરજદારની માતાની તબિયત ખરાબ થતા તેને 4 દિવસ માટે જેલ મુક્તિ આપવામાં આવી હતી. છેલ્લે તેણે તેના પિતા આસારામને મળવા જવા હંગામી જામીન અપાયા હતા.
અગાઉ તે સાહેદોને ધમકી આપી ચૂક્યો છે
સરકાર પક્ષે અગાઉ રજૂઆત થઈ હતી કે, અરજદારના મોટાપાયે ફોલોઅર્સ છે. અગાઉ તે સાહેદોને ધમકી આપી ચૂક્યો છે, ખોટા સર્ટિફિકેટ બનાવેલા છે. તેમજ સાહેદો ઉપર હુમલો કરાવી ચુક્યો છે. તેણે સરકારી અધિકારીઓને પણ લાંચ આપવાની કોશિશ કરી છે. અરજદારની જેલમાં વર્તણૂક પણ યોગ્ય નથી. જેથી તેને જેલના નિયમો મુજબ અયોગ્ય વર્તણૂક બદલ જેલમાં અપાતી સજા પણ કરવામાં આવી છે. જો તેને જેલ મુક્ત કરવામાં આવે તો અયોગ્ય ઘટના ઘટવાની શક્યતાઓ રહેલી છે. જેથી તેને જેલમુક્ત કરવો યોગ્ય જણાતું નથી.