Tue Jan 20 2026

Logo

White Logo

ડભોઈ નગરપાલિકાનું આક્રમક વલણ: : હવે જાહેર રસ્તા પર કચરો ફેંકનારાઓ સામે સીધો કોર્ટ કેસ થશે...

1 hour ago
Author: Tejas
Video

(અમારા પ્રતિનિધિ તરફથી)

વડોદરા: જિલ્લાના ઐતિહાસિક ડભોઈ શહેરમાં સ્વચ્છતાના સ્તરને સુધારવા માટે સ્થાનિક નગરપાલિકાએ અત્યંત કડક અને નિર્ણાયક વલણ અપનાવ્યું છે. પાલિકા તંત્ર હવે માત્ર દંડ વસૂલીને સંતોષ નહીં માને, પરંતુ જાહેર માર્ગો પર ગંદકી ફેલાવનારા બેજવાબદાર તત્વો સામે સીધી કાયદેસરની કાર્યવાહી કરી કોર્ટના દરવાજા ખખડાવશે. આ નિર્ણયને પગલે શહેરમાં સ્વચ્છતાના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

નગરપાલિકા દ્વારા આ કડક કાર્યવાહી "ધી ગુજરાત મ્યુનિસિપાલિટી એક્ટ" ની વિવિધ કલમો હેઠળ અમલમાં મૂકવામાં આવી છે. પાલિકાના સૂત્રોના જણાવ્યા અનુસાર, શહેરમાં ડસ્ટબિનની પૂરતી વ્યવસ્થા અને વારંવારની સૂચનાઓ છતાં કેટલાક લોકો જાણીજોઈને જાહેરમાં કચરો ફેંકી ગંદકી ફેલાવે છે. હવે આવા કિસ્સાઓમાં ગુનો સાબિત થયે જવાબદાર વ્યક્તિને કોર્ટ દ્વારા ભારે દંડ અથવા જેલની સજા પણ થઈ શકે છે.

પાલિકાએ આ આકરો નિર્ણય લેવા પાછળનું મુખ્ય કારણ લોકોનું સ્વાસ્થ્ય ગણાવ્યું છે. રસ્તાઓ પર પડેલી ગંદકી અને કચરાના ઢગલાને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધે છે, જે રોગચાળાને આમંત્રણ આપે છે. ખાસ કરીને ચોમાસા અને ઋતુ પરિવર્તન દરમિયાન ફેલાતા મલેરિયા, ડેન્ગ્યુ જેવા રોગો જીવલેણ સાબિત થઈ શકે છે. અવારનવાર વિનંતી કરવા છતાં સુધારો ન આવતા અંતે કાયદાકીય માર્ગ અપનાવવો પાલિકા માટે અનિવાર્ય બન્યો છે.

શહેરને સ્વચ્છ રાખવા માટે પાલિકાએ વિશેષ ટીમોની રચના કરી છે. આ ટીમો શહેરના મુખ્ય વિસ્તારોમાં પ્રત્યક્ષ નિરીક્ષણ કરશે અને સીસીટીવી કેમેરાની મદદથી ગંદકી કરનારાઓ પર નજર રાખશે. નગરપાલિકાના સત્તાધીશોએ નગરજનોને નમ્ર અપીલ કરી છે કે તેઓ કચરા ગાડીનો જ ઉપયોગ કરે અને જવાબદાર નાગરિક તરીકે શહેરને સ્વચ્છ રાખવામાં સહયોગ આપે. જો કોઈ નિયમ ભંગ કરતા પકડાશે, તો કોઈ પણ શેહશરમ રાખ્યા વિના તેની સામે કોર્ટ કેસ દાખલ કરવામાં આવશે.