અમદાવાદઃ શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલા જગન્નાથ મંદિરની આસપાસ 17 જાન્યુઆરી વહેલી સવારથી જ દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. મંદિરની આસપાસ એપીએમસી માર્કેટ બહાર, જમાલપૂર ફાયરસ્ટેશનની સામે અને જમાલપુર બ્રિજની નીચે જાહેર રોડ ઉપર શાકભાજીની લારીઓ અને પાથરણાવાળાઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. રોડ પરથી તમામ દબાણો દૂર કરાયા હતા, શાકભાજી સહિતનો સામાન એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા જપ્ત કરી લેવામાં આવ્યો હતો.
ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવવા મનપાની મોટી કાર્યવાહી
તંત્રએ ચિમકી ઉચ્ચારી હતી કે, જાહેર રોડ ઉપર જે પણ આજુબાજુમાં લારીઓ અને લોકો ઉભા રહેશે હવે તેમનો સામાન પણ જપ્ત કરી લેવામાં આવશે. આ કાર્યવાહી અંગે વધુ વિગત આપતા મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, જગન્નાથ મંદિરે આવતા જતા લોકો માટે ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવવા આ રોડ પર કામ ચલાવતા શાકભાજી, ફૂલોનાં વેપારીઓ અને ફેરિયાઓ દ્વારા રોડ પર દબાણો કરાયા છે.
ગેરકાયદેસર રીતે રોડ પર પાર્ક કરેલા વાહનોને લોક માર્યાં
વધારે વિગતે વાત કરવામાં આવે તો, તંત્રનું કહેવું છે કે, યોગ્ય જગ્યા આપી હોવા છતાં આ બધા વેપારીઓ રોડ પર આવી જાય છે. જેથી લોકો જગન્નાથ મંદિરે સમયસર પહોંચી શકતા નથી. તે માટે સ્ટેન્ડિંગ કમિટીની અંદર થયેલી ચર્ચા અનુસાર આ દબાણો દૂર કરવામાં આવશે. જેથી લોકો સહેલાઈથી જઈ શકે તે માટે રસ્તો ક્લિયર કરવામાં આવશે અને ત્યાં રહેલા છૂટા કામ ચલાવતા દબાણોને દૂર કરવામાં આવશે. મનપા દ્વારા શહેરના તમામ વિસ્તારમાં મુખ્ય રોડ ઉપર લારી- પાથરણાના દબાણો હટાવવામાં આવી રહ્યા છે. ગેરકાયદેસર રીતે રોડ પર પાર્ક કરેલા વાહનોને લોક કરી દંડની કાર્યવાહી કરવામાં આવી રહી છે.