Tue Jan 20 2026

Logo

White Logo

અમદાવાદ ફ્લાવર શો બન્યો તંત્ર માટે ખોટનો ધંધો, : 21 કરોડના ખર્ચ સામે થઈ માત્ર આટલી આવક

11 hours ago
Author: MayurKumar Patel
Video

અમદાવાદઃ શહેરમાં સાબરમતી રિવરફ્રન્ટ પર ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે આ વખતે નાગરિકોને ખાસ ઉત્સાહ હોય તેમ નથી હતું. અત્યાર સુધીમાં તંત્રને 6.50 કરોડથી વધુ આવક થઈ છે. જ્યારે આ માટે આશરે 21 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. અમદાવાદ ફ્લાવર શો હાલ તંત્ર માટે ખોટનો ધંધો સાબિત થઈ રહ્યું હોય તેમ લાગે છે.

સૂત્રોના કહેવા પ્રમાણે, આ વખતે ફ્લાવર શોની ટિકિટ વધારવામાં આવતાં લોકોને ઉત્સાહ રહ્યો નથી. આ ઉપરાંત લોકો દર વર્ષે એકના એક ફૂલ જોવામાં પણ રસ ધરાવતા નથી.  તંત્ર દ્વારા ફ્લાવર શોની સમય મર્યાદા 29 જાન્યુઆરી સુધી વધારવામાં આવી હોવા છતાં ખર્ચ સરભર થાય તેમ લાગતું નથી. સૂત્રો મુજબ, શનિ-રવિમાં મુલાકાતીઓને ધસારો હોય છ, બાકીના દિવસોમાં પાંખી હાજરી હોય છે. ફ્લાવર શો સહિતના મેળાવડાઓ મ્યુનિસિપલની ફરજિયાત સેવામાં આવતા નથી, તેથી મ્યુનિસિપલ તિજોરી પર નાણાકીય બોજ વધારી શકાય નહીં.

 

અમદાવાદ  ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026 ભારત એક ગાથા થીમ હેઠળ યોજાયો છે. જેમાં ભારતનાં પૌરાણિક વારસાથી લઈને આધુનિક ભારતની પ્રગતિની ગાથા ફૂલોના માધ્યમથી રજૂ કરવામાં આવી છે. ફ્લાવર શોમાં ફૂલ, કલા અને કલ્પનાના સંગમથી ભારતના ઇતિહાસ, સંસ્કૃતિ, સિદ્ધિઓ અને ભાવનાઓને વિવિધ ઝોનમાં વહેંચાયેલા એક જ મંચ પર રજૂ થઈ છે.. ભારતની પૌરાણિક ધરોહરને રજૂ કરતો શાશ્વત ભારત ઝોન પણ ફ્લાવર શોનું મુખ્ય આકર્ષણ છે.

આ ઉપરાંત ફ્લાવર શો 2026માં ખાસ ભારતના લોખંડી પુરુષ તરીકે ઓળખાતા સરદાર પટેલના રાષ્ટ્રીય એકતામાં આપેલા યોગદાનને સન્માન આપતું 30 મીટર વ્યાસનું ભવ્ય ફૂલ મંડળ અને સરદાર વલ્લભભાઈ પટેલનું વિશ્વનું સૌથી મોટું ફૂલ છે. તેમજ હાઈ-સ્પીડ રેલ, નવનીકરણીય ઊર્જા, સ્પોર્ટ્સ ક્ષેત્રની સિદ્ધિઓ, અંતરિક્ષ ટેકનોલોજી અને શિક્ષણ ક્ષેત્રમાં પ્રાપ્ત થયેલી સિદ્ધિઓને અમદાવાદના ફ્લાવર શો 2026માં ફૂલોના માધ્યમથી રજૂ કરાઈ છે.