Tue Jan 20 2026

Logo

White Logo

ભાયખલાના પ્રાણીબાગ બે વાઘના મોત બાદ પ્રશાસન હરકતમાં : પ્રશાસનની બેદરકારી સામે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીમાં ફરિયાદ કરવાની ભાજપના કાર્યકર્તાની ચીમકી

1 month ago
Author: Sapna Desai
Video

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: એક મહિનાની અંદર જ બે રોયલ બંગાલ વાઘના મૃત્યુથી ભાયખલામાં વીરમાતા જીજાબાઈ ભોસલે ઉદ્યાન અને પ્રાણીસંગ્રહાલય પ્રશાસન હરકતમાં આવી ગયું છે. ભાયખલાના વિધાનસભા મતવિસ્તારના સ્થાનિક રાજકીય કાર્યકર્તાએ પ્રાણી સંગ્રહાલયના અધિકારીઓ સામે બેદરકારીનો આરોપ લગાવ્યો છે અને બંને વાઘના પોસ્ટમોર્ટમ રિપોર્ટની માગણી કરી છે. તેમ જ રિપોર્ટ મળ્યા બાદ આ મામલાને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી સમક્ષ ઉઠાવવાની ચીમકી આપી છે.

ફેબ્રુઆરી ૨૦૨૦માં છત્રપતિ સંભાજીનગરના સિદ્ધાર્થ ગાર્ડન અને પ્રાણીસંગ્રહાલયમાંથી રોયલ બંગાલ વાઘ શક્તિ અને કરિશ્માને ભાયખલા પ્રાણીબાગમાં લાવવામાં આવ્યા હતા. આ જોડીને ત્રણ બચ્ચા હતા. નવેમ્બર, ૨૦૨૧માં જન્મેલી વીરા, અને ચાર નવેમ્બર ૨૦૨૨માં જન્મેલા જય અને રુદ્રનો સમાવેશ થાય છે. વીરાનું મે, ૨૦૨૨માં નબળા આરોગ્યના કારણથી મૃત્યુ થયું હતું. તો ૨૯ ઑક્ટોબર, ૨૦૨૫ના રોજ ત્રણ વર્ષના રુદ્રનું પણ મૃત્યુ થયું  હતું અને ત્યારબાદ ૧૭ નવેમ્બર, ૨૦૨૫ના  નવ વર્ષના શક્તિનું પણ મૃત્યુ થયું હતું.

ભાયખલા વિધાનસભાના ભાજપના કાર્યકરત નિતીન બંકરે વાઘના મૃત્યુ માટે પ્રાણીબાગના અધિકારીઓની બેદકારીને જવાબદારણ ગણાવ્યું હતું અને તેમની સામે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીમાં ફરિયાદ કરવાની ચીમકી આપી છે. તેમણે જણાવ્યું હતું કે શક્તિનું મૃત્યુ ભોજન દરમ્યાન તેના શ્ર્વસન માર્ગમાં હાડકું ફસાઈ જવાથી થયું હતું પણ પ્રાણી સંગ્રહાલયના અધિકારીઓએ એવો દાવો કર્યો હતો કે તેનું મૃત્યુ ન્યુમોનિયાને કારણે શ્ર્વાસ લેવામાં તકલીફ થવાથી થયું હતું. રુદ્રના પ્રકરણમાં પ્રાણીબાગે કહ્યું હતું કે તે આરોગ્યની દૃષ્ટિએ નબળો હતો. જોકે આ બંને વાઘના મૃત્યુ પાછળ પ્રશાસનની બેદરકારી જવાબદાર છે. પોસ્ટમાર્ટમના રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. રિપોર્ટ આવવાની સાથે જ આ બાબતે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી પૂર્ણ તપાસ કરીને જવાબદાર અધિકારી સામે પગલા લેવાની અમારી વિનંતી છે.

ભાયખલા પ્રાણી સંગ્રહાલયના અધિકારીના જણાવ્યા મુજબ રુદ્રને ટ્રાયપેનોસોમા થયો હતો અને તે જન્મથી જ ખૂબ નબળો હતો. છેલ્લા ત્રણ વર્ષથી વિવિધ સારવાર તેના પર ચાલી રહી હતી, છતાં ૨૯ ઑક્ટોબર, ૨૦૨૫ના રોજ તેનું મૃત્યુ થયું હતું.  ભાયખલા પ્રાણી સંગ્રહાલયમાં હાલમાં હવે કરિશ્મા અને તેનું બચ્ચું જય જ બાકી રહ્યા છે.