Tue Jan 20 2026

Logo

White Logo

એ. આર. રહેમાનના સંગીતનો જાદુ કેમ ઓસરી રહ્યો છે? : બોલીવુડમાં તેમનો સમય પૂરો થયો?

1 day ago
Author: Himanshu Chawda
Video

મુંબઈ: એક સમય એવો હતો, જ્યારે અમિતાભ બચ્ચનની ફિલ્મ રિલીઝ થતી અને તેને જોવા માટે પડાપડી થતી હતી, પરંતુ ધીમે ધીમે અમિતાભ બચ્ચનની ઉમર તેના ચહેરા પર દેખાવા લાગી અને હીરો તરીકેનો જાદુ ઓસરવા લાગ્યો. 1999માં અમિતાભ બચ્ચનની 'લાલ બાદશાહ' ફિલ્મ આવી હતી. જેને દર્શકો તરફથી બહુ ખરાબ પ્રતિસાદ મળ્યો હતો. મ્યુઝિક ડિરેક્ટર એ.આર. રહેમાન સાથે પણ છેલ્લા કેટલાક વર્ષોમાં આવું જ થયું છે. એવું ફિલ્મી વિશ્લેષકો અનુમાન લગાવી રહ્યા છે.

એ.આર. રહેમાને અનેક ફિલ્મોને યાદગાર બનાવી

તાજેતરમાં ભારતના ઓસ્કાર વિજેતા સંગીતકાર એ.આર. રહેમાને એક ઈન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 'સત્તા પરિવર્તન'ને કારણે તાજેતરના વર્ષોમાં તેમને મળતા કામમાં ઘટાડો થઈ રહ્યો છે, જે લોકો ક્રિએટિવ નથી, તેમને નિર્ણય લેવાની સત્તા મળી ગઈ છે અને આ એક કોમવાદી બાબત પણ હોઈ શકે છે. રહેમાનના આ નિવેદન બાદ વિવાદ છેડાયો છે. જોકે, એ.આર. રહેમાન ઓસ્કર જીતીને એક ભારતીય સંગીતમાં એક અભૂતપૂર્વ કીર્તિ હાંસલ કરી છે. જેની પાછળ તેમની અથાક મહેનત જવાબદાર છે.

1992થી 2015 સુધી ફિલ્મમાં એ.આર. રહેમાનનું હોવું, એ ફિલ્મની સફળતાની ગેરંટી આપતું હતું. તેને ભારતીય ફિલ્મ મ્યુઝિકની ડીએનએ બદલી નાખી છે. તેના ગીતો દરેક ઘર, ટેક્સી અને લગ્નોમાં વાગતા હતા. 'બોમ્બે'થી લઈને 'દિલ સે' સુધી, 'લગાન'થી લઈને 'રોકસ્ટાર' સુધી એ.આર. રહેમાને ફિલ્મોને હિટની સાથોસાથ યાદગાર બનાવી છે. તેમનો આલ્બમ એક ઇવેન્ટ બનતો હતો. તેની રિલીજ એક રાષ્ટ્રીય તહેવાર સાબિત થતો હતો. પરંતુ એક સમય એવો આવ્યો, જ્યારે એ.આર. રહેમાને જાતે જ બોલીવૂડથી અંતર કરી લીધું હતું.  

એ.આર. રહેમાને રાખ્યું બોલીવુડથી અંતર

'રાંઝણા' ફિલ્મની સફળતા બાદ 'મોહે-જો-દરો' નામની ફિલ્મમાં મ્યુઝિક આપ્યું હતું. આ ફિલ્મ ફ્લોપ રહી હતી. આ ફિલ્મના ગીતો ચાલ્યા ન હતા. તેની ખૂબ આલોચના થઈ હતી. એ જ સમયે સાઉથની 'ઓકે કનમણી' ફિલ્મની 'ઓકે જાનુ' નામે બોલીવૂડમાં રિમેક બનાવાઈ હતી. જેમાં એ.આર. રહેમાને પોતાના જ મ્યુઝિકને રિસાયકલ કર્યું હતું. જે ભૂલાઈ જાય એવું હતું. 'તમાશા' ફિલ્મ બાદ તેમને ફિલ્મો મળવાની સંખ્યા ઘટી હતી. જોકે, 2022-23માં આવેલી 'PS-1' અને 'PS-2' ફિલ્મમાં એઆર રહેમાનનું મ્યુઝિક યાદગાર હતું. જોકે, બોલીવૂડમાં 'હિરોપંતી 2' ફિલ્મનું મ્યુઝિક રહેમાનની પડતીની નિશાની પુરવાર થયું હતું. જોકે, ઇમ્તિયાઝ અલીની ફિલ્મ 'અમર સિંહ ચમકીલા'થી એ.આર. રહેમાને વાપસી કરી હતી. 

બોલીવુડે એ.આર. રહેમાનને રિજેક્ટ નથી કર્યા, પરંતુ રહેમાને અડધા બોલીવુડને રિજેક્ટ કર્યાં છે. હવે જ્યારે ઇન્ડસ્ટ્રી આગળ વધી રહી છે, ત્યારે તેઓ તેને દોષ આપી રહ્યા છે. એવું ફિલ્મી વિશ્લેષકો અનુમાન લગાવી રહ્યા છે. અમિતાભ બચ્ચને બોલીવુડને દોષ આપ્યા વગર જે રીતે ફિલ્મોમાં નવા પાત્રો સાથે કમબેક કર્યું હતું. એવી જ રીતે એ.આર. રહેમાને બોલીવુડને દોષ આપ્યા વગર પોતાના નવા સંગીત સાથે કમબેક કરવું જરૂરી છે.