શું તમે ક્યારેય વિચાર્યું છે કે માત્ર ઘરની બહાર નીકળતા જ દેખાતા લારી-ગલ્લાઓ પણ મળતું ચટાકેદાર ફાસ્ટફૂડ, સ્ટ્રીટફૂડ આપણા હેલ્થ માટે કેટલા જોખમી સાબિત થઈ રહ્યા છે? હાલમાં કરવામાં આવેલા એક સર્વેમાં ખૂબ જ ચોંકાવનારા પરિણામો સામે આવ્યા છે. જો આ પરિણામો બાદ પણ આપણે નહીં સુધરીએ તો પરિણામો ખૂબ જ ગંભીર અને ભયાનક આવી શકે છે. ચાલો જોઈએ શું છે આ સર્વેના પરિણામો અને આપણે કઈ રીતે એને બદલી શકીએ છીએ એ...
મદ્રાસ ડાયાબિટીસ રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા તાજેતરમાં જ હાથ ધરવામાં આવેલા અભ્યાસ બાદ સામે આવેલા પરિણામો અનુસાર આપણા ઘરની આસપાસનું 'ફૂડ એન્વાયરમેન્ટ' સીધી રીતે આપણા બીએમઆઈ અને બ્લડ સુગર લેવલ પર અસર કરી રહ્યું છે.
સંશોધનમાં એવું પણ જાણવા મળ્યું હતું કે સરેરાશ ભારતીય ઘરના 400 મીટરના વિસ્તારમાં ફળો અને શાકભાજીની સરખામણીએ ફાસ્ટ ફૂડ અને જંક ફૂડની દુકાનોની સંખ્યા ઓલમોલ્ટ ડબલ છે. આ સરળતાથી મળી જતું ફાસ્ટફૂડ અને જંકફૂડ જ આપણને અનહેલ્ધી ફૂડ લાઈફસ્ટાઈલની દિશામાં ધકેલી રહ્યું છે.
સંશોધનના મુખ્ય તારણો વિશે વાત કરીએ તો ચેન્નઈમાં 1,138 લોકો પર કરવામાં આવેલા આ અભ્યાસના આંકડા ચિંતાજનક છે. આ સર્વેમાં સામેલ 69.7 ટકા લોકો ઓબેસિટીનો શિકાર બની ગયા હતા જ્યારે 43 ટકા લોકોને ડાયાબિટીસ પણ હતી. માપદંડની વાત કરીએ તો પુરુષોમાં 90 સેમી અને સ્ત્રીઓમાં 80 સેમીથી વધુની કમર એ એબડોમિલ ઓબેસિટી તરીકે ઓળખાય છે, જે ડાયાબિટીસનું મુખ્ય કારણ છે.
જ્યારે આપણી આસપાસ જંક ફૂડ વધુ ઉપલબ્ધ હોય અને આપણું જીવન બેઠાડું હોય ત્યારે શરીરમાં મેટાબોલિક ફેરફારો થાય છે. બીએમઆઈ વધવાને કારણે ઈન્સ્યુલિન રેઝિસ્ટન્સ વધે છે, જે અંતે ટાઇપ-2 ડાયાબિટીસમાં પરિણમે છે.
બચવા માટે શું કરશો?
- ભૂખ ન હોય ત્યારે માત્ર જોઈને ખાવાની આદત ટાળો.
- બને ત્યાં સુધી બહારનું પેકેજ્ડ કે તળેલું ફૂડ ટાળી ઘરે બનાવેલો પૌષ્ટિક આહાર લો.
- રોજિંદા જીવનમાં ચાલવા કે કસરત માટે સમય કાઢો.
- શાળાઓ અને રેસિડેન્શિયલ એરિયામાં જંક ફૂડના વેચાણ પર નિયંત્રણ હોવું અનિવાર્ય છે.