Tue Jan 20 2026

Logo

White Logo

જૂનાગઢમાં ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવાનો પ્રયાસ: આરોપીના બદલાતા નિવેદનોએ રાજકારણ ગરમાવ્યું : આરોપીના બદલાતા નિવેદનોએ રાજકારણ ગરમાવ્યું

1 day ago
Author: Tejas Rajpara
Video

જૂનાગઢ: ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય પારો ઊંચકાયો છે. આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસ પહેલા જ જૂનાગઢમાં એક મોટી ઘટના બની છે. માળિયા હાટીનાના ગડુ ગામે યોજાયેલી ખેડૂત સભા દરમિયાન ‘આપ’ના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવાનો પ્રયાસ કરવામાં આવતા હંગામો મચી ગયો હતો. સદનસીબે, જૂતું ફેંકાય તે પહેલા જ હાજર કાર્યકરોએ શખ્સને ઝડપી પાડી પોલીસને હવાલે કર્યો હતો.

શું હતી સમગ્ર ઘટના?

ગડુ ગામે જ્યારે સભા ચાલી રહી હતી ત્યારે સબીર મીર નામના યુવકે ગોપાલ ઇટાલિયા તરફ જૂતું ફેંકવાની કોશિશ કરી હતી. અગાઉ જામનગરમાં પણ ઇટાલિયા સાથે આવી ઘટના બની ચૂકી છે, ત્યારે ફરી એકવાર આ પ્રકારના કૃત્યથી સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઉભા થયા છે. શરૂઆતમાં પોલીસ પૂછપરછમાં સબીરે એવો ચોંકાવનારો દાવો કર્યો હતો કે તેને આ કામ માટે 50 હજાર રૂપિયાની લાલચ આપવામાં આવી હતી અને અડધા પૈસા એડવાન્સ પણ અપાયા હતા.

હવે આ ઘટનામાં નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે આરોપી સબીર મીરે પોતાનું નિવેદન બદલી નાખ્યું. તેણે હવે નવો દાવો કર્યો છે કે તેણે આમ આદમી પાર્ટીના જ નેતા પિયુષ પરમારના કહેવાથી જૂતું ફેંક્યું હતું જેથી ગોપાલભાઈ વધુ ચર્ચામાં આવે અને આગળ વધે. સબીરના આ બદલાતા નિવેદનોએ અનેક શંકા-કુશંકાઓ જન્માવી છે. તેણે પોતાનો પર્સનલ રોષ પણ ઠાલવતા કહ્યું કે, તે ભાડે રહે છે અને કોઈ તેની સમસ્યા સાંભળતું ન હોવાથી તેણે આ પગલું ભર્યું હતું.

હાલ તો પોલીસે આ શખ્સની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીએ એવો પણ આક્ષેપ કર્યો છે કે તેને સવારમાં કેટલાક લોકોએ માર માર્યો હતો, પરંતુ પોલીસ તેની ફરિયાદ સાંભળી રહી નથી. બીજી તરફ, પોતાની જ પાર્ટીના નેતાનું નામ આવતા આમ આદમી પાર્ટીમાં આંતરિક રાજકારણ ગરમાયું છે. ચૂંટણી ટાણે જ બનેલી આ ઘટના પાછળ કોઈ મોટું ષડયંત્ર છે કે પછી આ વ્યક્તિગત રોષ છે, તે તપાસનો વિષય બન્યો છે.