વસંત પંચમી, જેને આપણે શ્રી પંચમી કે જ્ઞાન પંચમી તરીકે પણ ઓળખીએ છીએ, તે પ્રકૃતિના નવસર્જન અને ઉત્સાહનો તહેવાર છે. આ દિવસે વિદ્યાની દેવી મા સરસ્વતીની આરાધના કરવામાં આવે છે. શિયાળાની વિદાય અને વસંત ઋતુના આગમનને વધાવવા માટે આ પર્વ સમગ્ર ભારતમાં ધામધૂમથી ઉજવાય છે. આ દિવસે પીળા રંગના કપડા પહેરવાનું અનેરું માહિતમ હોય છે. આ એક પરંપરા નથી પરંતુ તેની પાછળ ગહન સાંસ્કૃતિક અને કુદરતી કારણો છુપાયેલા છે.
વસંત ઋતુમાં કુદરત જાણે પીળી ચાદર ઓઢી લે છે. ખેતરોમાં સરસવના પીળા ફૂલો ખીલી ઉઠે છે, જે સમૃદ્ધિનું પ્રતીક છે. ધાર્મિક માન્યતા મુજબ, પીળો રંગ માતા સરસ્વતીને અત્યંત પ્રિય છે. આ રંગ સાદગી, શુદ્ધતા અને જ્ઞાનનું પ્રતીક હોવાથી લોકો પીળા રંગના કપડા પહેરીને માતાજી પ્રત્યે પોતાનું સમર્પણ વ્યક્ત કરે છે.
કલર સાયન્સ પ્રમાણે, પીળો રંગ ઉત્સાહ, આત્મવિશ્વાસ અને માનસિક સ્પષ્ટતા વધારવામાં મદદરૂપ થાય છે. તે મગજને સક્રિય કરે છે અને એકાગ્રતામાં વધારો કરે છે, જે અભ્યાસ અને કલા માટે અનિવાર્ય છે. આયુર્વેદ મુજબ પણ પીળો રંગ શરીરમાં ઉર્જા અને ગરમાવો પ્રદાન કરે છે, જે બદલાતી ઋતુમાં સ્વાસ્થ્ય માટે લાભદાયક છે. પીળો રંગ મનને શાંત રાખવા અને નકારાત્મક વિચારોને દૂર કરવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે.
આ તહેવારમાં માત્ર વસ્ત્રો જ નહીં, પણ ભોજનમાં પણ પીળા રંગનું વિશેષ મહત્વ છે. વસંત પંચમીના દિવસે ઘરોમાં કેસરી ભાત, પીળી ખીચડી અને કેસરિયા હલવો જેવી વાનગીઓ બનાવવામાં આવે છે. આ વાનગીઓ શરીરમાં જરૂરી પોષણ અને ગરમાવો આપે છે. આમ, વસંત પંચમી એ માત્ર પૂજાનો જ નહીં, પરંતુ પ્રકૃતિ સાથે તાદાત્મ્ય સાધવાનો, નવી શરૂઆત કરવાનો અને જીવનમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાવવાનો પવિત્ર અવસર છે.