(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહાપાલિકાની ટર્મ પૂરી થયાનાં ચાર વર્ષ પછી યોજવામાં આવેલી ચૂંટણીઓમાં ભારે રસાકસી જોવા મળી અને હવે ચૂંટણી પરિણામો પછી પણ મુંબઈમાં રાજકારણનો ખેલ ખેલાઈ રહ્યો હોવાનું દેખાય છે. મુંબઈ મહાપાલિકામાં પચીસ વર્ષથી દબદબો ધરાવતી ઠાકરે સત્તાને ઊથલાવી પાડ્યા પછી ભાજપ અને શિંદેસેના દ્વારા સત્તાસ્થાપનાનાં સમીકરણો ગોઠવવાની હિલચાલ જોરશોરથી ચાલી રહી છે. એમાં ‘હોટેલ પોલિટિક્સ’નો ઉમેરો થતાં ચિત્ર-વિચિત્ર ચર્ચાને વેગ મળ્યો છે.
શિંદેસેનાના ચૂંટાયેલા નગરસેવકોને એક હોટેલમાં ‘લૉક’ કરવામાં આવતાં ભૂતપૂર્વ નગરસેવકોને જોરે હાથવગી થયેલી સત્તા છીનવાઈ જવાનો ભય શિંદેને સતાવી રહ્યો હોવાનું કહેવાય છે. શિંદેના નગરસેવકોની સોદાબાજીના ડરનું મૂળ શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેનું શનિવારનું વિધાન છે. ઠાકરેએ કહ્યું હતું કે જો ઈશ્ર્વરની ઇચ્છા હશે તો મુંબઈનો મેયર શિવસેના યુબીટીનો બનશે.
મુંબઈ મહાપાલિકાની ચૂંટણીમાં ભાજપ અને શિંદેસેનાની યુતી હતી. ચૂંટણીમાં ભાજપને 89 બેઠક, જ્યારે શિંદેની શિવસેનાને 29 બેઠક પર મળી હતી. આમાં રાજ્ય સરકારના ત્રીજા ભાગીદાર એવા અજિત પવારની એનસીપીના ત્રણ નગરસેવક જોડીએ તો સંખ્યા 121 પર પહોંચે છે. બહુમતીને જોરે ભાજપ-શિંદેસેનાના હાથમાં એશિયાની સૌથી શ્રીમંત મુંબઈ મહાપાલિકા આવી ગઈ છે.
મહાપાલિકાની ચૂંટણીમાં ભાજપ મોટો ભાઈ સાબિત થયો છે, પણ સત્તા માટે શિંદેસેનાના નગરસેવકો મહત્ત્વની ભૂમિકામાં છે. શિંદેસેનાના અમુક નગરસેવકો અવિભાજિત શિવસેનાના ભૂતપૂર્વ નગરસેવકો છે. સેનાના બે ભાગ થયા તે પહેલાં ઉદ્ધવ ઠાકરે શિવસેનાનું નેતૃત્વ કરતા હતા. આ અવિભાજિક સેનાના નગરસેવકો પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેને વફાદાર હતા. તેમની છત્રછાયામાં જ નગરસેવક પદે ચૂંટાયા હતા. પછી શિંદેસેનામાં જોડાઈને ચૂંટણીમાં જીત્યા હોવાથી આવા નગરસેવકો પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
સામે પક્ષે યુબીટીને ચૂંટણીમાં 65 બેઠક અને તેના સાથી મનસેને છ બેઠક મળી છે. હવે ભાજપ-શિંદેસેના યુતીને મહાપાલિકામાં સત્તાથી વંચિત રાખવી હોય તો બધા વિરોધી પક્ષો એક થઈ જાય તો મુશ્કેલી ઊભી થઈ શકે. યુબીટી અને મનસેની 71 બેઠક સાથે કૉંગ્રેસની 24, એનસીપી (એસપી)ની એક, સમાજવાદી પાર્ટીની બે બેઠકમાં એઆઈએમઆઈએમની આઠ બેઠક ઉમેરીએ તો સરવાળો 107 થાય છે. આ રીતે બહુમતી હાંસલ કરીને ભાજપને સત્તાથી વંચિત રાખવો હોય તો શિંદેસેનાના નગરસેવકોનું એક નાનું જૂથ ફોડવાની જરૂર ઊભી થાય. કદાચ આવી શક્યતાઓને ધ્યાનમાં રાખીને જ શિંદેસેના દ્વારા સાવચેતીથી ડગ માંડવામાં આવી રહ્યાં છે.
તકેદારી તરીકે ચૂંટણીમાં નવા ચૂંટાયેલા શિંદેસેનાના નગરસેવકોને બાન્દ્રાની ફાઈવ સ્ટાર હોટેલમાં રાખવામાં આવ્યા છે. શુક્રવારે ચૂંટણી પરિણામ પછી શનિવારે બપોર સુધીમાં ચૂંટાયેલા નગરસેવકોને આ હોટેલમાં પહોંચવાનો આદેશ અપાયો હતો, જેથી નગરસેવકોને ફોડવાનું રાજકારણ રમનારા તેમનો સંપર્ક ન સાધી શકે. પરિણામે આ ‘હોટેલ પોલિટિક્સ’ અત્યારે ખાસ્સી ચર્ચામાં છે.
જોકે નગરસેવકોને હોટેલમાં ત્રણ દિવસ રાખવામાં આવશે અને આ સમય દરમિયાન તેમની સાથે સંવાદ સાધવામાં આવશે, એવું કહેવામાં આવ્યું છે. આગામી રણનીતિ નક્કી કરવા અને મેયરની વરણી અંગે ચર્ચા કરવા માટે આ કવાયત હાથ ધરાઈ હોવાનું કહેવાય છે, પણ આની પાછળનો મુખ્ય ઉદ્દેશ નગરસેવકોને બીજા પક્ષ દ્વારા ફોડવામાં ન આવે એવો હોવાનું સૂત્રોનું કહેવું છે.