મુંબઈ: મુંબઈ કસ્ટમ્સે મધદરિયે કાર્ગો બાર્જને આંતરીને પાણીની ટાંકીઓમાં છુપાવવામાં આવેલું 180 ટનથી વધુનું દાણચોરીનું ડીઝલ જપ્ત કર્યું હતું. આ પ્રકરણે કાર્ગો બાર્જના માસ્ટર અને તેના માલિકના પુત્રની ધરપકડ કરવામાં આવી હતી.
કસ્ટમ્સના અધિકારીઓએ મળેલી માહિતીને આધારે રવિવારે મધદરિયે કાર્ગો વેસલ્સ એમવી ટીના 4 પર રેઇડ પાડી હતી. માસ્ટર, એન્જિનિયર અને શિપિંગ લાઇના પ્રતિનિધિના નિવેદનને આધારે મોડર આપરેન્ડીનો ઉલ્લેખ કરતાં અધિકારીએ જણાવ્યું હતું કે વિદેશી જહાજોમાંથી દાણચોરી કરીને પાણીની ટાંકીઓમાં છુપાવેલું હાઇ-સ્પીડ ડીઝલ વહન કરતી બાર્જ મળી આવી હતી.
એ બાર્જ પરની પાણીની એક ટાંકી ઇન્ડિયન રજિસ્ટર ઓફ શિપિંગ (આઇઆરએસ) દ્વારા મંજૂર કરાયેલ ડિઝાઇનનો ભાગ ન હોવાનું જાણવા મળ્યું હતું.
ગુપ્ત માહિતી મળ્યા બાદ બે જણની ધરપકડ કરવામાં આવી હતી. આ અંગે વધુ ધરપકડ થવાની અને લાંબા સમયથી ચાલતા દાણચોરીના રેકેટમાં મોટી સાઠગાંઠનો પર્દાફાશ થવાની શક્યતા છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
અધિકારીએ દાવો કર્યો હતો કે મુંબઈ કસ્ટમ્સ દ્વારા મોટી બાર્જ સાથે સંકળાયેલી આ સૌથી મોટી જપ્તી છે. જપ્ત કરાયેલી બાર્જની માલિકી ધરાવતી કંપની દેશભરમાં અનેક બાર્જ અને બે ટેન્કર વેસલ્સનું સંચાલન કરે છે. જપ્ત કરાયેલી બાર્જનો ઉપયોગ ચાર્ટર્ડ બંકરિંગ સર્વિસીસ માટે કરવામાં આવતો હતો, એમ પણ તેમણે કહ્યું હતું. (પીટીઆઇ)