(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કુર્લા વેસ્ટમાં રસ્તા પર તથા ફૂટપાથ પર ગેરકાયદેસર રીતે અંડિગો જમાવી બેસેલા ફેરિયાઓ તથા ગેરકાયદે રીતે ફૂટપાથ પર અતિક્રમણ કરનારી દુકાનો સામે મુંબઈ મહાનગરપાલિકાના ‘એલ’ વોર્ડ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. મંગળવારે લગભગ ૭૧ ગેરકાયદે બાંધકામને તોડી પાડવામાં આવ્યા હતા..
કુર્લા પશ્ર્ચિમમાં કુર્લા રેલવે સ્ટેશન પરિસર, ન્યૂ મિલ રોડ, બેલ બઝાર પરિસર, વિનોબા ભાવે જેવા પરિસરમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં આ પરિસરમાં આવતા ગેરકાયદે ફેરિયાઓ, ફૂટપાથ પર ગેરકાયદે રીતે દુકાનો ઊભા કરનારા તેમ જ ફૂટપાથ પર દુકાનનું વધારાનું બાંધકામ કરીને અતિક્રમણ કરનારા કુલ ૭૧ બાંધકામને તોડી પાડવામાં આવ્યા હતા.
કુર્લા પોલીસ સ્ટેશન હદમાં ૫૩ અને વિનોબા ભાવે નગર પોલીસ હદમાં ૧૮ એમ કુલ ૭૧ ગેરકાયદે ફેરિયાઓ, દુકાનો અને દુકાનના વધારાના બાંધકામનો સમાવેશ થાય છે.