(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: તાજેતરમાં મહારાષ્ટ્રની ૨૯ મહાનગરપાલિકાની પાર પડેલી ચૂંટણીના પરિણામોથી રાજ્યના વિપક્ષના સમીકરણો નવેસરથી રચાય એવી શક્યતા નિર્માણ થઈ છે. આ ચૂંટણીમાં શરદ પવારની રાષ્ટ્રવાદી કૉંગ્રેસનો ગઢ ગણાતા પુણે તેનું લગભગ અસ્તિત્વ ખતમ થઈ ગયું છે. ઉદ્ધવ ઠાકરેની શિવસેના મુંબઈનો જ ગઢ સાચવી શકી છે અને રાજ્યની અન્ય મહાનગરપાલિકામાં નોંધપાત્ર પરિણામ લાવી શકી નથી. તેની સામે મહાવિકાસ આઘાડીમાં હાંસિયામાં ફેંકાઈ ગયેલું કૉંગ્રેસ આ ચૂંટણીમાં મુંબઈને છોડીને અન્ય મહાનગરપાલિકામાં નોંધપાત્ર બેઠકો મેળવી શકી છે. તેથી યુતિમાં તેનો હાથ ફરી એક વખત ઉપર રહે એવી શક્યતા છે.
રાજ્યના ચૂંટણીના પરિણામના અંતિમ આંકડા મુજબ ભાજપે ૨૯ મહાનગરપાલિકામાં કુલ ૨,૮૬૯ બેઠકોમાંથી ૧,૪૨૫, એકનાથ શિંદેની શિવસેના ૩૯૯, કૉંગ્રેસ ૩૨૪, અજિત પવારની રાષ્ટ્રવાદી કૉંગ્રેસ ૧૬૭, શિવસેના (યુબીટી) ૧૫૫, રાષ્ટ્રવાદી કૉંગ્રેસ (શરદ પવાર(૩૬), એમએનએસ ૧૩, બહુજન સમાજ પાર્ટી છ, અજ્ઞાત પક્ષો ૧૯૬ અને અપક્ષો ૧૯ બેઠકો જીતી ગયા છે. ચૂંટણીમાં ભાજપ નંબર વન તરીકે ઊભરી છે, તો કૉંંગ્રેસ માટે થોડી રાહત રહી છે. રાજ્યમાં ૩૨૪ બેઠક સાથે ત્રીજા નંબરે રહીને તેણે સારું પ્રદર્શન કર્યું છે. તેના સાથી પક્ષો શિવસેના (યુબીટી) અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસ (શરદ પવાર) કરતા પણ તેનું ચૂંટણીમાં પ્રદર્શન સારું રહ્યું છે.
રાજ્યની ૨૯ મહાનગરપાલિકા અત્યંત મહત્ત્વની ગણાય છે અને તેના પરિણામ આવ્યા બાદ કૉંગ્રેસ મહાવિકાસ આઘાડીમાં નંબર વન પર રહેતા રાજકીય વિશ્ર્લેષકોના કહેવા મુજબ ૨૦૨૯ની વિધાનસભાની ચૂંટણી પહેલા સંકલન, બેઠકની વહેંચણી અને નેતૃત્વમાં હવે પુનર્વિચાર કરવા પર તે સાથી પક્ષો પર દબાણ લાવી શકે છે.
શિવસેના (યુબીટી)એ તેની માટે પ્રતિષ્ઠાનો જંગ બની ગયેલી મુંબઈ પાલિકા ગુમાવી દીધી છે. તો બંને રાષ્ટ્રવાદી કૉંગ્રેસે પુણે અને પિંપરી-ચિંચવડમાં સાથે ચૂંટણી લડી હતી, છતાં તેઓને કારમી હારનો સામનો કરવો પડયો છે. તો કૉંગ્રેસે કોલ્હાપુર, ચંદ્રપુર, ભિવંડી સહિત લાતુરમાં મોટી પાર્ટી બનવામાં સફળ રહી છે.
કૉંગ્રેસના ઉચ્ચ પદાધિકારીના કહેવા મુજબ મહાવિકાસ આઘાડીમાં અમારો હાથ ઉપર રહેશે અને હવે વધુ સીટની માગણી કરવાની પરિસ્થિતિમાં છીએ. ઠાકરે અને પવારનો મરાઠી માણુસ અને પ્રાદેશિક ગૌરવ કાર્ડ ભાજપ સામે સંપૂર્ણ રીતે નિષ્ફળ સાબિત થયું છે. જયારે કૉંગ્રેસે ફરી સાબિત કરી દીધું છે કે તેને કોઈ ખતમ કરી શકશે નહીં.
કૉંગ્રેસે સરેરાશ રાજ્યમાં મહાવિકાસ આઘાડીમાં સૌથી વધુ બેઠક મેળવી છે પણ ઉદ્ધવ ઠાકરેએ મુંબઈમાં ભાજપને બરોબરીની ટક્કર આપી હતી. રાજ્યમાં ઠાકરેનો પ્રભાવ ઘટ્યો છે તેથી મહાવિકાસ આઘાડીમાં સૌથી વધુ બેઠકના તેના દાવાને સીધી અસર થઈ શકે છે.
મહાનગરપાલિકાની ચૂંટણીમાં શિવસેના (યુબીટી) અને શિવસેના વચ્ચેના વિભાજનથી સત્તાધારી ગઠબંધનને અનેક વોર્ડમાં ફાયદો થયો છે. ઠાકરેની પાર્ટી મુંબઈગરા સાથે ભાવનાત્મક રીતે જોડાયેલી છે, છતાં સંગઠનાત્મક મશીનરીની ગેરહાજરીમાં તેને વોર્ડ સ્તરની ચૂંટણીમાં મોટો ફાયદો મેળવવામાં મુશ્કેલી નડી હતી.
શરદ પવારની રાષ્ટ્રવાદીનું પુણે જિલ્લામાં પતન સૌથી મોટો ફટકો છે અને મોટાભાગના શહેરી વિસ્તારમાં તે સિંગલ ડિજિટ પર રહી છે. તેથી મહાવિકાસ આઘાડીમાં તે હવે કંઈ પણ મોટી માગણી કરવાની હાલતમાં નથી.
નિષ્ણાતોના કહેવા મુજબ શરદ પવારની રાષ્ટ્રવાદી અને ઉદ્ધવની શિવસેનાને હવે પૂર્વગ્રહ છોડીને કૉંગ્રેસ સાથે જોડાવા સિવાય કોઈ વિકલ્પ રહ્યો નથી. પૂરા મહારાષ્ટ્ર સુધી પહોંચવા માટે આ બંને પક્ષોને કૉંગ્રેસનો હાથ પકડવો જ પડવાનો છે. ૨૦૨૯ની વિધાનસભાની ચૂંટણીને હજી વાર છે પણ જિલ્લા પરિષદની ચૂંટણીઓથી જ આ બંને પક્ષોએ કૉંગ્રેસનો સાથ લેવો પડશે.