મુંબઈઃ મહારાષ્ટ્રની મ્યુનિસિપલ ચૂંટણીના પરિણામોએ રાજકીય સમીકરણો સંપૂર્ણપણે બદલી નાખ્યા છે. મહારાષ્ટ્રના 29 મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કુલ 2,869 બેઠક માટે યોજાયેલી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ 64.51 ટકાના સ્ટ્રાઇક રેટ સાથે 1,425 બેઠક જીતી હતી.
તેવી જ રીતે ભાજપે 66 ટકાના પ્રભાવશાળી સ્ટ્રાઇક રેટ સાથે બીએમસીમાં સૌથી વધુ 89 બેઠકો જીતી, તેનાથી વિપરીત કોંગ્રેસ અને શિવસેના (ઉદ્ધવ જૂથ)ના પ્રદર્શનમાં ઘટાડો થયો છે. જોકે, એઆઇએમઆઇએમનું પ્રદર્શન બધા માટે ચોંકાવનારું રહ્યું છે.
મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપે 135 બેઠક પર ચૂંટણી લડ્યું અને અને 66 ટકાના પ્રભાવશાળી સ્ટ્રાઇક રેટ સાથે સૌથી વધુ 89 બેઠક જીતી હતી, જેમાં પાર્ટીનો વોટ શેર 45.39 ટકા રહ્યો હતો, જ્યારે તેના સાથી પક્ષ શિવસેના (શિંદે જૂથ)એ 90માંથી 29 બેઠક જીતી. શિવસેના (યુબીટી) 40.62 ટકા સ્ટ્રાઇક રેટ સાથે બીજા સ્થાને છે.
તેણે સૌથી વધુ 160 બેઠકો પર ચૂંટણી લડી હતી, જ્યાં તેણે 27.37 ટકા મતના હિસ્સા સાથે 65 બેઠક જીતી હતી. કોંગ્રેસ પાર્ટીનું પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક રહ્યું, તેનો સ્ટ્રાઇક રેટ ફક્ત 15.89 ટકા જ રહ્યો. શરદ પવારની એનસીપી અને રાજ ઠાકરેની એમએનએસ પણ જનતાને આકર્ષવામાં નિષ્ફળ ગઈ. તેમનો સ્ટ્રાઇક રેટ ઘટીને 1 ટકાથી પણ ઓછો થઇ ગયો છે.
ચૂંટણીના આંકડા મુજબ માત્ર મુંબઈમાં જ નહીં, પરંતુ સમગ્ર મહારાષ્ટ્રમાં ભાજપે 2017ની સરખામણીમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. વર્ષ 2017માં ભાજપ પાસે 1,125 બેઠક હતી, જે હવે વધીને 1,425 થઈ ગઈ છે, તેનાથી વિપરીત, કોંગ્રેસ અને (તે સમયની) અવિભાજિત શિવસેનાના પ્રદર્શનમાં ઘટાડો થયો છે, પહેલા અવિભાજિત શિવસેના પાસે 500 થી વધુ બેઠકો હતી. પરંતુ હવે બંને પક્ષોની પાસે કુલ 399 બેઠક છે.
હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી એઆઇએમઆઇએમએ પણ 29.78 ટકાના સ્ટ્રાઇક રેટ સાથે 126 બેઠકો જીતીને સમગ્ર રાજ્યમાં તેનો રાજકીય પ્રભાવ વધાર્યો છે. આ ચૂંટણીના પરિણામોએ મહા વિકાસ આઘાડીના ઘટકપક્ષો પર પ્રશ્નાર્થચિન્હ લગાવ્યું છે.
આમ આદમી પાર્ટી (આપ) એ 455 બેઠક પર પોતાનું નસીબ અજમાવ્યું, પરંતુ તે પોતાનું ખાતું પણ ખોલી શકી નહીં. શરદ પવારની પાર્ટીએ સમગ્ર રાજ્યમાં ફક્ત 36 બેઠકો જીતી હતી, જ્યારે અજિત પવારની આગેવાની હેઠળની એનસીપીએ 167 બેઠકો જીતી હતી.