થાણે: ભિવંડીમાં ભાજપ અને સ્થાનિક રાજકીય પક્ષ કોણાર્ક વિકાસ આઘાડી (કેવીએ)ના કાર્યકરો વચ્ચે રવિવારની રાતે થયેલી અથડામણ પ્રકરણે પોલીસે પાંચ ગુના નોંધી 44 જણની ધરપકડ કરી હતી. ભિવંડી નિઝામપુર મહાનગરપાલિકાની ચૂંટણી પછી બન્ને પક્ષના કાર્યકરો વચ્ચે તણાવ હતો, જેને પગલે ભિવંડીના વૉર્ડ નંબર એકમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ હતી. રવિવારની રાતે આખરે બન્ને પક્ષના કાર્યકરો રસ્તા પર ઊતરી આવ્યા હતા અને સોડા બૉટલ ફેંકવા સાથે પથ્થરમારો કરાયો હતો. આ દંગલને કારણે ભિવંડીમાં તંગદિલી ફેલાઈ ગઈ હતી.
પોલીસના જણાવ્યા મુજબ રવિવારની રાતે આઠ વાગ્યાની આસપાસ ભૂતપૂર્વ મેયર અને કેવીએના વિલાસ પાટીલ અને તેમની પત્ની પ્રતિભા પાટીલ પર ટોળાએ હુમલો કર્યો હતો. તોફાનીઓએ પાટીલના બંગલોમાં તોડફોડ પણ કરી હતી. આ ઘટનામાં પાટીલ દંપતી અને તેમના પરિવારજનો સહિત અનેક લોકો જખમી થયા હતા.આ હુમલાના વળતા જવાબમાં વિલાસ પાટીલના સમર્થકોએ ભાજપના વિધાનસભ્ય મહેશ ચૌગુલેની ભિવંડીમાં શિવાજી ચોક ખાતે આવેલી ઑફિસ પર હલ્લાબોલ કર્યું હતું. પથ્થરમારો કરીને ચૌગુલેની ઑફિસની તોડફોડ કરવામાં આવી હતી. ટોળાને વીખેરવા પોલીસે લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો.
બન્ને પક્ષના લોકોએ કરેલી ફરિયાદને આધારે સોમવારે 60 વ્યક્તિ સહિત 500 અજાણી વ્યક્તિ વિરુદ્ધ પાંચ ગુના નોંધવામાં આવ્યા હતા. આ પ્રકરણે 44 આરોપીની ધરપકડ કરવામાં આવી હોવાનું ડેપ્યુટી પોલીસ કમિશનર શશિકાંત બોરાટેએ જણાવ્યું હતું.
પરિસ્થિતિનો તાગ મેળવવા જૉઈન્ટ પોલીસ કમિશનર ડૉ. જ્ઞાનેશ્ર્વર ચવાણ સોમવારની રાતે ભિવંડી પહોંચ્યા હતા. વરિષ્ઠ અધિકારીઓ સાથે મીટિંગ કરી ચવાણે આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીનો આદેશ આપ્યો હતો. એ સિવાય સંવેદનશીલ વૉર્ડોમાં પેટ્રોલિંગ વધારી રૂટ માર્ચ કરવાની સૂચના આપી હતી. (પીટીઆઈ)
DCP Shashikant Borate