Tue Jan 20 2026

Logo

White Logo

ગુજરાતમાં ડિજિટલ વસ્તી ગણતરી-2027ની તૈયારીઓ શરૂ: : બે તબક્કામાં કામગીરી થશે

1 day ago
Author: chandrakant Kanoja
Video

ગાંધીનગર: ભારત સરકાર દ્વારા વસ્તી ગણતરી-2027 માટેની તૈયારીઓ ઝડપી ગતિએ શરૂ કરવામાં આવી છે. ગૃહ મંત્રાલયના ડિરેક્ટોરેટ ઓફ સેન્સસ ઓપરેશન્સ દ્વારા જાહેર કરાયેલા પરિપત્ર મુજબ, આ વખતની વસ્તી ગણતરી બે તબક્કામાં હાથ ધરાશે. જેમાં પ્રથમ તબક્કામાં ઘરયાદી અને મકાન ગણતરી (એચએલઓ) સપ્ટેમ્બર 2026માં અને બીજા તબક્કામાં વસ્તીની ગણતરી ફેબ્રુઆરી 2027માં યોજાશે.

બંને તબક્કા પૂર્ણ કરનારને કુલ 25,000 સુધીની રકમ મળશે

આ પરિપત્રમાં ગણતરીકારો, સુપરવાઈઝરો અને અધિકારીઓ માટેના માનદ વેતન, તાલીમ, IT ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ લોજિસ્ટિક સપોર્ટની વિગતવાર જોગવાઈઓ જાહેર કરવામાં આવી છે. HLO માટે પ્રતિ ગણતરીકારને 9,000 અને PE માટે 16,000 માનદ વેતન નક્કી કરાયું છે, જ્યારે બંને તબક્કા પૂર્ણ કરનારને કુલ 25,000 સુધીની રકમ મળશે.

 અલગ-અલગ બજેટ ફાળવણી કરવામાં આવી

વસ્તી ગણતરીના સફળ અમલ માટે રાજ્ય, જિલ્લા, મહાનગરપાલિકા અને તાલુકા સ્તરે IT સાધનો, વાહન માટે POL ખર્ચ અને કામગીરી માટે જરૂરી સાધનો માટે અલગ-અલગ બજેટ ફાળવણી કરવામાં આવી છે. રાજ્ય સ્તરે આ માટે 10 લાખ, જિલ્લા અને મહાનગરપાલિકા સ્તરે 5 લાખ અને તાલુકા સ્તરે 1 લાખ સુધીની જોગવાઈ રાખવામાં આવી છે.

આધુનિક ટેક્નોલોજી આધારિત તાલીમ આપવામાં આવશે

ગણતરીકારો અને સુપરવાઈઝરોને આધુનિક ટેક્નોલોજી આધારિત તાલીમ આપવામાં આવશે. મોબાઇલ એપ્લિકેશન અને CMMS પોર્ટલ દ્વારા ડેટા એકત્રિત કરી રિયલ-ટાઈમ મોનિટરિંગ કરવામાં આવશે. સમગ્ર દેશમાં આશરે 100 રાષ્ટ્રીય ટ્રેનર્સ, 2000 માસ્ટર ટ્રેનર્સ અને 44,000 ફીલ્ડ ટ્રેનર્સ દ્વારા લાખો ગણતરીકારોને તાલીમ આપવામાં આવશે. પરિપત્રમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, વસ્તી ગણતરી-2027 સંપૂર્ણપણે ડિજિટલ હશે અને ડેટાની ગુણવત્તા તથા પારદર્શિતા પર ખાસ ભાર મૂકવામાં આવશે. સરકારના જણાવ્યા મુજબ, આ વસ્તી ગણતરી દેશની આગામી વિકાસ યોજનાઓ માટે મહત્વપૂર્ણ આધાર પુરો પાડશે.