Tue Jan 20 2026

Logo

White Logo

પોસ્ટ ઓફિસ આરડી સ્કીમ 2026: : માત્ર રૂ.100થી શરૂ કરો રોકાણ, મેળવો 6.70 ટકા વ્યાજ અને લોનની સુવિધા...

1 hour ago
Author: Darshana Visaria
Video

આપણામાંથી મોટાભાગના લોકો રોકાણ માટે ઈન્ડિયન પોસ્ટને સૌથી સુરક્ષિત ઓપ્શન માને છે. પોસ્ટ ઓફિસ પણ યુઝર્સ માટે દર થોડા સમયે નવી નવી સ્કીમ્સ લોન્ચ કરે છે. જો તમે પણ ફ્યુચર સિક્યોર કરવા માટે કોઈ બેટર ઓપ્શન શોધી રહ્યા છો તો આજે અમે તમને અહીં પોસ્ટ ઓફિસની એક આવી જ સ્કિમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ સ્કીમ એટલે રિકરિંગ ડિપોઝિટ (RD) સ્કીમ, જે મધ્યમ વર્ગ અને નાના બચતકારો માટે સુરક્ષિત રોકાણનો શ્રેષ્ઠ વિકલ્પ છે. ખાસ કરીને જેઓ દર મહિને થોડી-થોડી બચત કરીને મોટી રકમ જમા કરવા માંગે છે, તેમના માટે આ યોજના ખૂબ જ ફાયદાકારક છે.

જો તમે જોખમ લીધા વિના સુરક્ષિત વળતર ઈચ્છો છો, તો પોસ્ટ ઓફિસની રિકરિંગ ડિપોઝિટ (RD) તમારા માટે એક બેસ્ટ ઓપ્શન સાબિત થશે. આ સ્કીમમાં રોકાણ કરનારને વ્યાજની સાથે સરકારી સુરક્ષા પણ મળે છે. હાલમાં સરકાર આ સ્કીમ પર 6.70 ટકાનું વાર્ષિક વ્યાજ ઓફર કરે છે. ચાલો જોઈએ શું છે આ સ્કીમ અને તમે કઈ રીતે તેમાં રોકાણ કરી શકો છો. 

શું છે પોસ્ટ ઓફિસ RD?
આ એક 5 વર્ષની સ્કીમ છે જેમાં તમારે દર મહિને એક નિશ્ચિત રકમ જમા કરાવવાની હોય છે. રોકાણની ગણતરીની વાત કરીએ તો જો તમે દર મહિને રૂપિયા 2000 જમા કરો છો, તો 5 વર્ષમાં તમારું કુલ રોકાણ રૂપિયા 1.20 લાખ જેટલું થશે. હવે આ રકમ પર તમને 6.70 ટકા વ્યાજ સાથે મેચ્યોરિટી પર તમને અંદાજે રૂપિયા 1,43,000 પાછા મળે છે. જો તમને નાની બચત કરવી છે તો તમે દર મહિને રૂપિયા 1000ના રોકાણ પર 5 વર્ષ પછી આશરે રૂપિયા 71,000નું ફંડ તૈયાર થાય છે અને એના પર પણ તમને 6.70 ટકાનું વ્યાજ આપવામાં આવે છે. 

લોન લેવાની ખાસ ફેસિલિટી
પોસ્ટ ઓફિસ આરડી સ્કીમની સૌથી મોટી ખાસિયત વિશે વાત કરીએ તો તે એ છે કે ઈમર્જન્સીમાં તમારે એકાઉન્ટ બંધ કરવાની જરૂર પડતી નથી. જો તમે સતત 12 હપ્તા જમા કરાવ્યા હોય, તો તમે જમા રકમના 50 ટકા સુધીની લોન લઈ શકો છો. વ્યાજની વાત કરીએ તો લોન પરનું વ્યાજ આરડીના વ્યાજ દર કરતા 2 ટકા વધુ એટલે કે અંદાજે 8.7 ટકા જેટલું હોય છે, જે પર્સનલ લોન કરતા ઘણું ઓછું છે.

કોણ ખોલાવી શકે છે ખાતું?
વાત કરીએ કોણ ખાતું ખોલાવી શકે છે એની તો કોઈપણ ભારતીય નાગરિક આ ખાતું ખોલાવી શકે છે. 10 વર્ષથી વધુ ઉંમરનું બાળક જાતે આ એકાઉન્ટ ઓપરેટ કરી શકે છે. ત્રણ વ્યક્તિઓ મળીને 'જોઈન્ટ એકાઉન્ટ' પણ ખોલાવી શકે છે. પોસ્ટમાં તમે ઓછામાં ઓછું 100 રૂપિયાથી રોકાણની શરૂઆત કરી શકો છો. 

હપ્તો જમા કરવાની સમયમર્યાદા
જો તમે પોસ્ટમાં ખાતું મહિનાની 1થી 15 તારીખ વચ્ચે ખોલ્યું હોય, તો હપ્તો દર મહિનાની 15 તારીખ સુધીમાં જમા કરવાનો રહે છે. જો ખાતું 16 તારીખ પછી ખોલ્યું હોય, તો મહિનાની છેલ્લી તારીખ સુધીમાં હપ્તો જમા કરાવી શકાય છે.

છે ને એકદમ ધાસ્સુ અને કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમને પણ પોસ્ટની આરડીની સ્કિમમાં રોકાણ કરવા માટે પ્રોત્સાહન આપો. આવી જ બીજી કામની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.