ગાંધીનગર : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ નાગરિકોની રજૂઆતો-ફરિયાદોના ઓનલાઈન નિવારણનો જાન્યુઆરી મહિનાનો રાજ્ય સ્વાગત તા. 22મી જાન્યુઆરી, ગુરૂવારે યોજવામાં આવશે. વર્ષ 2003થી શરૂ થયેલા સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અન્વયે દર મહિનાના ચોથા ગુરુવારે રાજ્ય સ્વાગત યોજવામાં આવે છે.
સીએમ નાગરિકોની આવેલી રજૂઆતો સાંભળશે
તદઅનુસાર જાન્યુઆરી-2026ના રાજ્ય સ્વાગત કાર્યક્રમ માટેની રજૂઆતો નાગરિકો ગુરૂવાર, તા. 22મી જાન્યુઆરીના રોજ સવારે 8-00 થી 11-00 દરમિયાન મુખ્યમંત્રીના જનસંપર્ક એકમ, સ્વર્ણિમ સંકુલ-2, ગાંધીનગર ખાતે રૂબરૂ આવીને કરી શકશે. મુખ્યમંત્રી ગુરૂવારે બપોર બાદ આ રાજ્ય સ્વાગતમાં પ્રત્યક્ષ ઉપસ્થિત રહીને નાગરિકોની આવેલી રજૂઆતો સાંભળશે.
રાજ્યકક્ષાએ અરજદારો પોતાના પ્રશ્નોનું નિરાકરણ લાવી શકે છે
ઉલ્લેખનીય છે કે, નાગરિકોના પ્રશ્નો તથા ફરિયાદો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ અમલમાં મૂકેલ છે. જેમાં તાલુકા, જિલ્લા તથા રાજ્યકક્ષાએ અરજદારો પોતાના પ્રશ્નોનું નિરાકરણ લાવી શકે છે. મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને દર માસે રાજ્ય કક્ષાએ સ્વાગત ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાય છે તે જ પ્રમાણે જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં જે તે વિભાગોના વડાઓ જાતે જ ઉપસ્થિત રહે છે અને કલેકટરના અધ્યક્ષના સ્થાને બેઠક યોજી અરજદારોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા પ્રયાસ કરે છે.
વર્ચ્યુઅલ માધ્યમથી પ્રશ્નોના નિરાકરણનો પ્ર્યાસ
રૂબરૂ આવી ન શકાય તેવા કિસ્સાઓમાં વર્ચ્યુઅલ માધ્યમથી પણ અરજદારના પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો રાજ્ય સરકારનો એક આદર્શ કાર્યક્રમ છે. જેમાં જિલ્લાના કોઈપણ સ્થળે રહેતા નાગરિક પોતાની રજૂઆત ઉચ્ચ અધિકારી સમક્ષ મૂકી શકે છે. રૂબરૂ આવી ન શકાય તેવા કિસ્સાઓમાં વર્ચ્યુઅલ માધ્યમથી પણ અરજદારોના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવે છે.