ગાંધીનગર: ગુજરાતમાં મેડિકલ સુવિધાઓ વિકસી રહી છે. દુબઈ હેલ્થકેર સિટી પ્રોજેક્ટની તર્જ પર રાજ્ય સરકારે ગુજરાતને મેડિકલ સુવિધાઓના હબ તરીકે વિકસાવવાના હેતુથી કડી-કલોલ પાસે આંતરારાષ્ટ્રીય સ્તરની મેડિસિટી સ્થાપવાની દરખાસ્ત રજૂ કરી છે. રાજ્ય સરકાર આ સુવિધા ઉભી કરવા માટે આશરે ₹13 કરોડનો ખર્ચ કરશે. જેમાં હાઇ-ટેક હોસ્પિટલો, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટરો, મેડિકલ કોલેજ, વેલનેસ સેન્ટર અને આરોગ્ય ક્ષેત્ર સાથે જોડાયેલી અન્ય સેવાઓનો સમાવેશ કરવામાં આવશે.
કઈ સુવિધાઓ મળશે
આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટની બ્લુપ્રિન્ટ તૈયાર કરી લેવામાં આવી છે અને હાલ રાજ્ય સરકાર ઉત્તર ગુજરાતમાં કડી અથવા કલોલ પાસે જમીનની શોધ કરી રહી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટમાં 'જોઈન્ટ કમિશન ઈન્ટરનેશનલ' દ્વારા માન્યતા પ્રાપ્ત હોસ્પિટલો હશે. સાથે જ મેડિકલ અને નર્સિંગ કોલેજો, રિસર્ચ સેન્ટરો અને મેડિકલ ડિવાઈસ પાર્ક જેવી સહાયક સુવિધાઓ પણ ઉપલબ્ધ હશે.
પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ તબીબી સારવાર, રીહેબિલિટેશન, કેર ઇકોનોમી અને ફાર્મા-બાયોટેક ક્ષેત્રો માટે એક કેન્દ્રીય હબ વિકસાવવાનો છે. આ પ્રોજેક્ટને 'મેડિકલ વેલ્યુ ટ્રાવેલ' બોર્ડ દ્વારા અમલમાં મૂકવામાં આવે તેવી શક્યતા છે, જેમાં રાજ્યના આરોગ્ય અને પ્રવાસન વિભાગના પ્રતિનિધિઓ સામેલ હશે. સરકાર આ પ્રોજેક્ટને 2028 સુધીમાં પ્રાથમિકતાના ધોરણે પૂર્ણ કરવાનો ઈરાદો ધરાવે છે.
કલોલ-કડીની જ કેમ પસંદગી?
સૂત્રોએ જણાવ્યું હતું કે કલોલ-કડીની આસપાસનો વિસ્તાર આ પ્રોજેક્ટ માટે અત્યંત અનુકૂળ છે. જે પાછળ ઘણા કારણો છે, જેમકે પ્રસ્તાવિત વિસ્તારમાં પહેલેથી જ મેડિકલ અને નર્સિંગ કોલેજો આવેલી છે. ઉપરાંત અહીં પ્રતિષ્ઠિત હોસ્પિટલો અને હેલ્થકેર બ્રાન્ડ્સ કાર્યરત છે. આ વિસ્તાર અમદાવાદ એરપોર્ટની નજીક છે અને ફાર્મા ક્લસ્ટર સાથે સારી રીતે જોડાયેલો છે.
દુબઈ હેલ્થકેર સિટી શું છે?
દુબઈ હેલ્થકેર સિટી (DHCC) એ વિશ્વસ્તરીય હેલ્થકેર અને વેલનેસ હબ છે, જ્યાં પ્રીમિયમ ગ્લોબલ હેલ્થકેર પ્રોવાઈડર્સ સેવા આપે છે. તેમાં તબીબી શિક્ષણ, સેવા વિતરણ, રહેણાંક અને વ્યાપારી ઝોન માટે અલગ-અલગ વ્યવસ્થાઓ હોય છે, જેવી જ વ્યવસ્થા હવે ગુજરાતમાં જોવા મળશે.