Tue Jan 20 2026

Logo

White Logo

મહારાષ્ટ્રના ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ : મંત્રી રાજ પુરોહિતનું 71 વર્ષની વયે નિધન

1 day ago
Author: Mumbai Samachar Team
Video

મુંબઈઃ મુંબઈમાં ઉત્તર ભારતીય સમુદાયોના અગ્રણી અવાજ, ભાજપના વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન રાજ કે પુરોહિતનું બીમારીને કારણે અવસાન થયું હતું. તેઓ 71 વર્ષના હતા. પુરોહિતે શનિવારે અહીંની એક ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.

મુંબઈ ભાજપ વર્તુળોમાં એક જાણીતા વ્યક્તિ, એવા રાજ પુરોહિતે પાર્ટીના શહેર પ્રમુખ અને મહારાષ્ટ્ર સરકારમાં પ્રધાન તરીકે સેવા આપી હતી અને 2014-19 દરમિયાન વિધાનસભામાં ભાજપના મુખ્ય દંડક હતા. એક સમયે તેમને ભાજપના શહેર એકમના સૌથી પ્રભાવશાળી નેતાઓમાંના એક માનવામાં આવતા હતા, જેમનો દક્ષિણ મુંબઈમાં નોંધપાત્ર પ્રભાવ હતો. 2019ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં પુરોહિતને ટિકિટ નકારી કાઢવામાં આવી હતી.

તેમના અવસાનથી મહારાષ્ટ્રના રાજકીય અને સામાજિક જીવનમાં એક અનુભવી, વિદ્વાન નેતાની ખોટ પડી છે, જેમના પાયાના સ્તર સાથે ઊંડા જોડાણ હતા, એમ પક્ષના નેતાઓએ જણાવ્યું હતું.

શ્રદ્ધાંજલિ આપતા ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી વિનોદ તાવડેએ કહ્યું કે પુરોહિતના અવસાન વિશે જાણીને તેમને દુઃખ થયું. "મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેટરથી લઈને ધારાસભ્ય અને મહારાષ્ટ્ર વિધાનસભામાં પ્રધાન સુધી, મારા મિત્ર રાજ પુરોહિત એક લોકપ્રિય જનપ્રતિનિધિ હતા જે લોકો સાથે ઊંડાણપૂર્વક જોડાયેલા હતા," તાવડેએ એક્સ પર એક પોસ્ટમાં લખ્યું હતું.

મુંબઈમાં રહેતા સ્થળાંતરિત ભાડૂતોના સૌથી મોટા "મસીહા" તરીકે પુરોહિતને ગણવામાં આવતા હતા અને તેમણે જીવનભર તેમના ઉત્થાન માટે કામ કર્યું હતું, એમ તેમણે નોંધ્યું.  તેમનું નિધન મહારાષ્ટ્રમાં ભાજપ માટે અને મારા માટે વ્યક્તિગત રીતે એક અપૂર્ણ નુકસાન છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તેઓ તેમના આત્માને શાંતિ આપે અને શોકગ્રસ્ત પરિવાર અને પ્રશંસકોને શક્તિ આપે,એમ તાવડેએ કહ્યું.

નોંધનીય છે કે, તાજેતરમાં પૂર્ણ થયેલી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) ની ચૂંટણીમાં, રાજ પુરોહિતના પુત્ર અને ભાજપ નેતા આકાશ પુરોહિત વોર્ડ નંબર 221 થી જીત્યા હતા. મૃતક નેતાના પાર્થિવ દેહને રવિવારે સવારે 11થી બપોરે 1 વાગ્યા સુધી મરીન ડ્રાઇવ પર રાજહંસ બિલ્ડિંગમાં શ્રદ્ધાંજલિ માટે રાખવામાં આવ્યો હતો, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
(પીટીઆઈ)