Tue Jan 20 2026

Logo

White Logo

સાંસદના ડ્રાઇવર અને ભાજપના નેતાઓ દ્વારા AAP પ્રમુખ પર હુમલાનો આક્ષેપ, : ચૈતર વસાવાએ હર્ષ સંઘવીને ઘેર્યા!

1 month ago
Author: Devyat Khatana
Video

નર્મદા: ગુજરાતના રાજકારણમાં નર્મદા જિલ્લામાંથી સનસનાટીભર્યા સમાચાર સામે આવ્યા છે. આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવાએ ટ્વીટરના માધ્યમથી એક ગંભીર આક્ષેપ કર્યો છે કે, AAPના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. ચૈતર વસાવાના આક્ષેપ મુજબ, આ હુમલામાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના કેટલાક સ્થાનિક નેતાઓ અને તેમની સાથે જોડાયેલા ગુંડાઓ સામેલ હતા.

ધારાસભ્ય ચૈતર વસાવાએ કરેલી ટ્વીટમાં સ્પષ્ટપણે આક્ષેપ કર્યો છે કે, આ હુમલો ભાજપના નર્મદા જિલ્લા પ્રમુખ નીલ રાવ, નગરપાલિકા પ્રમુખ કુલદીપ સિંહ ગોહિલ અને સ્થાનિક સાંસદ મનસુખ વસાવાના ખાસ કહેવાતા ડ્રાઇવર ભદ્રેશ તડવી (ઉર્ફે કાલો) બુટલેગર દ્વારા કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ગુપ્તી, તમંચા અને ગન જેવા જીવલેણ હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું જણાવાયું છે. કથિત હુમલાખોરો GJ-05 -RG-9150 નંબરની કાળા કાચવાળી ગાડીમાં આવ્યા હતા, જેમાં જિલ્લા પ્રમુખ નીલ રાવ પોતે હાજર હતા.

આ ઘટના અંગે ચૈતર વસાવાએ રાજ્યના ગૃહ વિભાગ પર પણ આંગળી ચીંધી છે. ચૈતર વસાવાએ ટ્વીટમાં આક્રોશ વ્યક્ત કરતા લખ્યું હતું કે, "ભાજપના ગુંડાઓ, બુટલેગરોને હર્ષ સંઘવીના શાસનમાં કેટલી છૂટ આપી હશે, તે આ જાહેર હુમલા પરથી વિચારી શકાય." ચૈતર વસાવાના નિવેદન બાદ નર્મદા જિલ્લા અને ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. જોકે, આ આક્ષેપો અંગે ભાજપ કે પોલીસ તરફથી કોઈ સત્તાવાર નિવેદન હજુ સુધી સામે આવ્યું નથી.