બુલવૅયોઃ અહીં અન્ડર-19 વર્લ્ડ કપમાં ભારતે શનિવારે કટ્ટર હરીફ બાંગ્લાદેશે ડકવર્થ-લુઇસ મેથડ અનુસાર 18 રનના માર્જિનથી હરાવીને સુપર-સિક્સીસ રાઉન્ડ માટેનો દાવો મજબૂત કર્યો હતો. ગ્રૂપ-બીમાં ભારત ચાર પૉઇન્ટ સાથે મોખરે છે.
ભારતે (India) બૅટિંગ મળ્યા બાદ વૈભવ સૂર્યવંશી (72 રન, 67 બૉલ, ત્રણ સિક્સર, છ ફોર) અને વિકેટકીપર અભિજ્ઞાન કુન્ડુ (80 રન, 112 બૉલ, ત્રણ સિક્સર, ચાર ફોર)ના મોટા યોગદાનોની મદદથી 238 રન કર્યા હતા. ભારતીય ટીમ 48.4 ઓવરમાં ઑલઆઉટ થઈ હતી અને બાંગ્લાદેશની ટીમને 50 ઓવરમાં જીતવા 239 રનનો લક્ષ્યાંક અપાયો હતો.
જોકે વરસાદ (Rain) અને બૅડ લાઇટના વિઘ્નને કારણે બાંગ્લાદેશને ડકવર્થ/લુઇસ મેથડ અનુસાર 29 ઓવરમાં 165 રનનો લક્ષ્યાંક મેળવવા જણાવાયું હતું.
106 રનમાં બાંગ્લાદેશની માત્ર બે વિકેટ પડી હતી એટલે ભારતના પરાજયની થોડી સંભાવના હતી, પરંતુ 106 રનના સ્કોર પર ધબડકો શરૂ થયો હતો અને થોડા-થોડા રનના અંતરે વિકેટ પડતી ગઈ હતી અને છેવટે આખી ટીમ 28.3 ઓવરમાં 146 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગઈ હતી. વિહાન મલ્હોત્રાએ ચાર વિકેટ, ખિલન પટેલે બે વિકેટ તેમ જ દીપેશ દેવેન્દ્રન, હેનિલ પટેલ અને કનિષ્ક ચૌહાણે એક-એક વિકેટ મેળવી હતી. એક ખેલાડીને અમદાવાદના વેદાંત ત્રિવેદી અને કુન્ડુએ રનઆઉટ કર્યો હતો. વૈભવે સમિઉન બશીરનો કૅચ બાઉન્ડરી લાઇનને લગોલગ પહોંચ્યા બાદ બૉલ હવામાં ઉછાળીને લાઇનની બહાર ગયા પછી ફરી અંદર આવીને ઝીલી લીધો હતો.