અમદાવાદઃ રાજકોટમાં 24 કલાકમાં ત્રણ આપઘાતના કેસ નોંધાયા છે, જેમાં ત્રણેય મૃતક 24થી 40 વર્ષની વય વચ્ચે એટલે કે પોતાની યુવાવયમાં હતા. એક યુવતી અને બે યુવકે આપઘાત કરતા ફરી માનસિક તાણનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.
એક ઘટનામાં ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોમાં રહેતી પલક નિલેશભાઈ ઝાલા (24)એ પાંચમાં માળેથી છલાંગ લગાવી હતી. પલકની માતાનાં કહેવા અનુસાર પલક અગાસીમાં જાઉં છું કહી ગઈ હતી અને તેના એક મિત્ર સાથે વાત કરી રહી હતી. ત્યારબાદ તે નીચે કૂદી પડી હતી. હૉસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. માતાનાં કહેવા અનુસાર યુવતીના પુરુષ મિત્રના થોડા દિવસોમાં લગ્ન હતાં અને તે નિરાશ હતી. પલકના પિતા હયાત નથી, પલક ખાનગી નોકરી કરી પરિવારને મદદ કરતી હતી.
આ રીતે લેબ ટેકનિશિયન તરીકે કામ કરતા ભાવેશભાઈ નાગજીભાઈ સંઘાણી (40)એ ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. સંતાનમાં બે પુત્ર ધરાવતા ભાવેશભાઈએ આ પગલું શા માટે ભર્યું તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. ત્રીજી એક ઘટનામાં બંસી કેવિનભાઈ રૈયાણી (30) નામની પરિણિતાએ ઘઉંમાં નાખવાની ગોળી ખાઈ લીધી હતી. મહિલાને ઉલટી થતા તેને હૉસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી, પરંતુ તેનું મોત થયું હતું. બંસીનાં પાંચ વર્ષ પહેલા લગ્ન થયા હતાં અને તેને સંતાનમાં એક દીકરો હોવાનું બહાર આવ્યું છે. પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે.