થાણે: થાણે જિલ્લામાં વેપારી સાથે 38.61 લાખ રૂપિયાની છેતરપિંડી આચરવા પ્રકરણે ભૂતપૂર્વ કર્મચારી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ જાન્યુઆરીથી ઑક્ટોબર, 2024 દરમિયાન આ છેતરપિંડી આચરવામાં આવી હતી. આ પ્રકરણે આરોપી પ્રકાશ જબ્બાર સિંહ (35) વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 318 (4) (છેતરપિંડી) અને 316 (2) હેઠળ ગુનો દાખલ કરાયો હતો.
તેલના વેપારીએ ફરિયાદમાં આક્ષેપ કર્યો હતો કે તેની કંપનીમાં પ્રકાશ સિંહ કામ કરતો હતો અને તેણે 10 મહિના દરમિયાન કંપનીમાંથી માલસામાન અને રૂપિયાની ઉચાપત કરી હતી.
આરોપીએ ફરિયાદીના ગ્રાહકો પાસેથી પોતાના માટે 23.56 લાખ રૂપિયાનો સામાન લીધો હતો અને પોતાની કરિયાણાની દુકાન માટે પંદર લાખ રૂપિયાનો સામાન ખરીદ્યો હતો.
આમ આરોપીએ વેપારી સાથે 38.61 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી હતી, જેને પગલે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ પ્રકરણે તપાસ ચાલી રહી હોવાથી હજી સુધી કોઇની ધરપકડ કરવામાં આવી ન હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)