નવી દિલ્હી: આગામી 26 જાન્યુઆરી 2026ના કર્તવ્ય પથ પર યોજાનારી 77મી પ્રજાસત્તાક દિવસની પરેડ ભારત માટે ઐતિહાસિક ક્ષણ બની રહેશે. આ વર્ષની ઉજવણી માત્ર પરંપરાગત સન્માન નથી, પરંતુ 'ઓપરેશન સિંદૂર'માં પાકિસ્તાન સામે મેળવેલી શાનદાર સફળતા બાદ ભારતની રક્ષણાત્મક સજ્જતાનું જીવંત પ્રમાણ છે. 'વંદે માતરમ'ના 150 વર્ષ અને 'આત્મનિર્ભર ભારત'ની થીમ પર આધારિત આ પરેડમાં પ્રથમવાર 'ફેઝ્ડ બેટલ એરે ફોર્મેશન' જોવા મળશે, જે યુદ્ધભૂમિ પર હથિયારોના વાસ્તવિક ઉપયોગની ઝાંખી કરાવશે.
આ વખતે પરેડનું મુખ્ય આકર્ષણ એવા હથિયારો હશે જેણે ઓપરેશન સિંદૂરમાં પાયાની ભૂમિકા ભજવી હતી. દુનિયાની સૌથી ઝડપી સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ 'બ્રહ્મોસ' જેણે પાકિસ્તાનના નૂર ખાન એરબેઝને સચોટ નિશાન બનાવ્યું હતું, તે આકર્ષણનું કેન્દ્ર રહેશે. તેની સાથે જ પાકિસ્તાની હવાઈ હુમલાઓને જડબાતોડ જવાબ આપનાર 'આકાશ' અને 'MR-SAM' મિસાઈલ સિસ્ટમનું પણ પ્રદર્શન કરવામાં આવશે. આ સ્વદેશી સિસ્ટમ્સ હજારો કિલોમીટર દૂર બેઠેલા દુશ્મનોને ધૂળ ચટાડવાની ક્ષમતા ધરાવે છે.
ભારતીય સેના હવે આધુનિક ટેકનોલોજી સાથે યુદ્ધ લડવા સજ્જ થઈ છે. પરેડમાં પ્રથમવાર 'દિવ્યાસ્ત્ર' બેટરી અને 'શક્તિબાણ' રેજિમેન્ટની ઝાંખી જોવા મળશે. આ સ્પેશિયલ આર્ટિલરી રેજિમેન્ટ્સ ખાસ કરીને ડ્રોન વોરફેર અને સ્વોર્મ ડ્રોન ટેકનોલોજીથી સજ્જ છે. સેનાએ 'ઓપરેશન સિંદૂર'ના અનુભવો પરથી શીખ મેળવીને ડ્રોન પ્રહાર ક્ષમતામાં ધરખમ વધારો કર્યો છે. 'ડ્રોન શક્તિ ઈગલ પ્રહાર' સિસ્ટમ દ્વારા હવે યુદ્ધના મેદાનમાં જ ડ્રોનનું રિપેરિંગ અને સંચાલન શક્ય બનશે.
'મેક ઇન ઇન્ડિયા' હેઠળ વિકસિત 155 mmની 'ATAGS' તોપ આ વખતે પરેડની શાન વધારશે, જે બોફોર્સ જેવી તોપોનું સ્થાન લેવા સંપૂર્ણ તૈયાર છે. આ ઉપરાંત, આધુનિક ટેકનોલોજીના નમૂના સમાન 'રોબોટિક મ્યુલ્સ' (યાંત્રિક શ્વાન) પણ આકર્ષણ જમાવશે.
અહીં રોબોટ્સ પહાડી વિસ્તારોમાં સૈનિકોનો સામાન ઊંચકવાથી લઈને દુશ્મનો પર હુમલો કરવા સુધીની ક્ષમતા ધરાવે છે. 29 એરક્રાફ્ટના ફ્લાયપાસ્ટ અને ભૈરવ કમાન્ડોના સાહસ સાથે આ પરેડ ભારતના 'આત્મનિર્ભર' બનવાના સંકલ્પને મજબૂત રીતે રજૂ કરશે.