નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ સંગઠનમાં મોટો ફેરફાર કરતા બિહારના દિગ્ગજ નેતા નીતિન નબીનને રાષ્ટ્રીય અધ્યક્ષની જવાબદારી સોંપી છે. આજે તેમણે વિધિવત રીતે પોતાનો કાર્યભાર સંભાળી લીધો છે. પટનાની બાંકીપુર બેઠક પરથી સતત પાંચ વખત ધારાસભ્ય રહી ચૂકેલા અને બિહાર સરકારમાં મંત્રી તરીકે કાર્ય કરી ચૂકેલા નીતિન નબીન હવે રાષ્ટ્રીય સ્તરે પક્ષનું નેતૃત્વ કરશે. 12મું ધોરણ પાસ હોવા છતાં તેમની રાજકીય સૂઝબૂઝ અને સંગઠન પરની પકડને કારણે તેમને આ સર્વોચ્ચ પદ મળ્યું છે.
નીતિન નબીનના ચૂંટણી પંચમાં આપેલા એફિડેવિટ મુજબ, તેમની કુલ નેટવર્થ 3.06 કરોડ રૂપિયાથી વધુ છે. જોકે, તેમની સામે આશરે 56 લાખ રૂપિયાની નાણાકીય જવાબદારીઓ (દેવું) પણ છે. મિલકતની વિગતો જોઈએ તો, નીતિન નબીન અને તેમના પરિવાર પાસે રોકડ રકમ માત્ર 60,000 રૂપિયા છે, પરંતુ દંપતીના વિવિધ બેંક ખાતાઓમાં 98 લાખ રૂપિયાથી વધુની રકમ જમા છે. ઉલ્લેખનીય છે કે 2006ની પેટાચૂંટણીથી શરૂ થયેલી તેમની જીતનો સિલસિલો 2025 સુધી અવિરત રહ્યો છે.
રસપ્રદ વાત એ છે કે ભાજપના નવા અધ્યક્ષ પોતે શેરબજારમાં રોકાણ કરવાનું ટાળે છે, પરંતુ તેમના પત્ની આ બાબતે સક્રિય છે. તેમના પત્નીના પોર્ટફોલિયોમાં મિડકેપ અને મલ્ટીકેપ ફંડ્સમાં 6 લાખ રૂપિયાથી વધુનું રોકાણ જોવા મળ્યું છે. આ ઉપરાંત, પરિવાર પાસે LIC અને SBI જેવી વિવિધ વીમા પોલિસી પણ છે. નીતિન નબીનના પત્ની 'નવીરા એન્ટરપ્રાઈઝ' નામની કંપનીમાં ડાયરેક્ટર તરીકે પણ કાર્યરત છે, જે તેમની વ્યાવસાયિક સક્રિયતા દર્શાવે છે.
નીતિન નબીન પાસે સ્કોર્પિયો અને ઇનોવા ક્રિસ્ટા જેવી કાર છે. પરિવાર પાસે આશરે 11 લાખ રૂપિયાના સોના-ચાંદીના દાગીના છે. જો સ્થાવર મિલકતની વાત કરીએ તો, નીતિન નબીનના પોતાના નામે કોઈ ખેતીની જમીન કે રહેણાંક મકાન નથી. પરંતુ તેમના પત્નીના નામે પટનામાં 1.18 કરોડ રૂપિયાની કિંમતનું ઘર અને આશરે 28 લાખ રૂપિયાની કિંમતની ખેતીલાયક જમીન છે. આ રીતે પરિવારની આર્થિક સ્થિતિ સંતુલિત અને મજબૂત જોવા મળે છે.