(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ/થાણે: મુંબ્રા પોલીસ સ્ટેશનની એનડીપીએસ સ્કવૉડ દ્વારા ડ્રગ્સની તસ્કરીના આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ કરીને થાણે તેમ જ મધ્ય પ્રદેશમાંથી 27.21 કરોડ રૂપિયાનું મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું. આ પ્રકરણે મધ્ય પ્રદેશના ચાર સહિત પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવી હોઇ થાણે પોલીસ કમિશનરેટ હેઠળ પોલીસ સ્ટેશન સ્તરે ડ્રગ્સનો જપ્ત કરાયેલો આ સૌથી મોટો જથ્થો હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
મુંબ્રા પોલીસ સ્ટેશનની એનડીપીએસ સ્કવૉડે મળેલી માહિતીને આધારે બિલાલ હોસ્પિટલ નજીક છટકું ગોઠવીને બાસુ ઉમરદીન સૈયદને 23.5 ગ્રામ મેફેડ્રોન સાથે પકડી પાડ્યો હતો. બાસુ વિરુદ્ધ ગુનો દાખલ કર્યા બાદ તેની પૂછપરછમાં મધ્ય પ્રદેશના સપ્લાયર રામસિંહ અમરસિંહ ગુજ્જર અને કૈલાશ શંભુલાલજી બિલાઇના નામ સામે આવ્યા હતા, જેઓ ડ્રગ્સ વેચવા માટે આવવાના હોવાની માહિતી મળતાં પોલીસ ટીમે બંનેને તાબામાં લીધા હતા અને તેમની પાસેથી 7.30 કરોડ રૂપિયાનું 3.51 કિલો મેફેડ્રોન જપ્ત કરવામાં આવ્યું હતું.
પોલીસ કસ્ટડીમાં બંને સપ્લાયરની પૂછપરછ કરાયા બાદ પોલીસની ટીમ મધ્ય પ્રદેશ રવાના કરાઇ હતી અને ત્યાં કાર્યવાહી કરી 19.91 કરોડ રૂપિયાના 9.95 કિલો મેફેડ્રન ડ્રગ્સ સાથે મનોહરલાલ રંગલાલ ગુજ્જર તથા રાજુ ઉર્ફે રિયાઝ મોહંમદ સુલતાન મોહંમદ મન્સુરીને ઝડપી પાડ્યા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું.
આમ પોલીસ ટીમે કુલ 27.21 કરોડ રૂપિયાનું મેફેડ્રોન ડ્રગ્સ પકડી પાડ્યું હતું અને પાંચ જણની ધરપકડ કરી હતી. પાંચેય જણ રેકોર્ડ પરના આરોપી છે અને તેમની વિરુદ્ધ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાઇકોટ્રોપિક સબસ્ટેન્સીસ (એનડીપીએસ) એક્ટ, ભારતીય દંડસંહિતા અને આર્મ્સ એક્ટ હેઠળ ગુના નોંધાયેલા છે. આરોપીઓ મધ્ય પ્રદેશથી મોટા પ્રમાણમાં ડ્રગ્સ લાવતા હતા અન થાણેમાં તેને વેચતા હતા, એમ અધિકારીએ કહ્યું હતું.
નોંધનીય છે કે મુંબ્રા પોલીસ સ્ટેશનની એનડીપીએસ સ્કવૉડે જાન્યુઆરી, 2024થી અત્યાર સુધી 48.50 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કર્યું હતું, જ્યારે ડ્રગ્સનું સેવન કરનારા 954 વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી.