(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ક્રિપ્ટોકરન્સી મારફત ગાર્મેન્ટ ફેબ્રિક્સ અને તેને લગતી વસ્તુઓના ટ્રેડિંગથી ઊંચું વળતર મળવાની લાલચ બતાવી કાપડના વેપારી સાથે 90 લાખ રૂપિયાની કથિત છેતરપિંડી કરવાના કેસમાં પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી હતી.
એમઆઈડીસી પોલીસે પકડી પાડેલા આરોપીઓની ઓળખ અન્થની ચેટ્ટિયાર ઉર્ફે એન્થની સાહિલ, સોહેલ ખાન અને અમઝદ અલી શેખ તરીકે થઈ હતી. પોલીસ કસ્ટડીમાં રહેલા ત્રણેયની પોલીસ વધુ પૂછપરછ કરી રહી છે. આ કેસમાં સંડોવાયેલા આરોપીના પાંચ સાથીની પોલીસ શોધ ચલાવી રહી છે.
વિલેપાર્લેમાં રહેતા કાપડના વેપારી રાજેશ બાંભણિયાએ આ પ્રકરણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ અનુસાર જુલાઈ, 2025માં ફરિયાદી વ્યવસાય અર્થે ચીન ગયો હતો, જ્યાં તે પીટર નામના શખસના સંપર્કમાં આવ્યો હતો. તેણે પોતાની ઓળખ ગાર્મેન્ટ મટીરિયલ અને ફેબ્રિક એસેસરીઝના હોલસેલના વેપારી તરીકે આપી હતી. તેણે ફરિયાદી સાથે વેપાર કરવામાં રસ દાખવ્યો હતો.
એ જ સમયગાળામાં બાંભણિયાના પિતરાઈએ આરોપી ધ્રુવ મહેતા સાથે ઓળખાણ કરાવી હતી. ગાર્મેન્ટ ટ્રેડિંગ કરતો હોવાનું કહીને મહેતાએ બધા વ્યવહાર ક્રિપ્ટોકરન્સીમાં કરવાનું સૂચવ્યું હતું, જેમાં ઊંચું વળતરની લાલચ તેણે આપી હતી.
બાંભણિયાનો વિશ્ર્વાસ સંપાદન કર્યા પછી મહેતાએ ચીનમાં પીટર સાથે સંપર્ક સાધ્યો હતો અને ક્રિપ્ટોકરન્સી ટ્રેડિંગની સુવિધા અંગે ચર્ચા કરી હતી. નફાની ખાતરી થયા પછી ફરિયાદીએ ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવાનું નક્કી કર્યું હતું. બાદમાં ફરિયાદીએ 90 લાખ રૂપિયા એન્થનીને આપ્યા હતા.
ફરિયાદી પાસેથી નાણાં લીધા પછી આરોપીઓએ તેના કૉલ રિસીવ કરવાનું બંધ કરી દીધું હતું. બાદમાં આરોપીઓના મોબાઈલ સ્વિચ ઑફ્ફ આવતા હતા. પરિણામે પોતે છેતરાયો હોવાની જાણ થતાં ફરિયાદીએ એમઆઈડીસી પોલીસનો સંપર્ક સાધ્યો હતો. પોલીસે તપાસ હાથ ધરી મહિના બાદ આરોપીને પકડી પાડ્યા હતા.