Tue Jan 20 2026

Logo

White Logo

ભાજપ અને શિંદે જૂથ વચ્ચે ખેંચતાણ: : ઉદ્ધવ ઠાકરે જૂથે કરી નાખી મોટી સ્પષ્ટતા...

12 hours ago
Author: Mumbai Samachar Team
Video

Uddhav Balasaheb Thackeray


મુંબઈઃ 15 જાન્યુઆરીએ યોજાયેલી રાજ્યની 29 મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપ (ભારતીય જનતા પાર્ટી) સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો છે. ભાજપે અનેક નગરપાલિકાઓમાં એકલા હાથે સત્તા મેળવી છે, પરંતુ બીએમસીના મેયર પદ માટે ભાજપ અને એકનાથ શિંદેની શિવસેના વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે ત્યારે આ મુદ્દે ઉદ્ધવ ઠાકરે જૂથતરફથી મહત્ત્વની સ્પષ્ટતા કરી છે. 

BMC ચૂંટણીમાં ભાજપે 89 બેઠક જીતી છે અને શિવસેના શિંદે જૂથે 29 સીટ જીતી છે . મહાયુતિને બીએમસીમાં બહુમતી મળી છે, પરંતુ મેયર પદ માટે બંને પક્ષો વચ્ચે ટક્કર ચાલી રહી છે. દરમિયાન, ઉદ્ધવ ઠાકરે જૂથનું નિવેદન સામે આવ્યું છે કે જો BMCમાં ભાજપનો  મેયર બનશે તો તેમના કાઉન્સિલર મતદાન દરમિયાન ગેરહાજર રહેશે. શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેના આ નિવેદનને રાજકીય રીતે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે આનાથી ભાજપને પાછલા બારણેથી મદદ મળશે.

અંદરોઅંદર લડો, અમને ખેંચો નહીંઃ UBT પ્રવક્તા
હવે શિવસેના (UBT)ના પ્રવક્તા હર્ષલ પ્રધાનનું એક ટ્વિટ પોસ્ટ કરવામાં આવ્યું છે. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે સત્તા માટે ભેગા થયેલા ભાજપ અને શિંદે સેના એકબીજા સાથે લડે અમને તેમાં ખેંચે નહીં. ભાજપ અને શિંદે જૂથ જેવા સત્તાના ભૂખ્યા, સમાન વિચારધારા ધરાવતા પક્ષોએ પોતાની લડાઈ જાતે લડવી જોઈએ.

મુંબઈના મેયરને લઈને રાજકીય ઉથલપાથલ
મુંબઈ મહાનગરપાલિકાના મેયર કોણ બનશે? આ અંગે ઘણી ચર્ચા ચાલી રહી છે. મુંબઈ મહાનગરપાલિકામાં ભાજપ પાસે બહુમતી કાઉન્સિલર છે, ત્યાર બાદ શિવસેના ઠાકરે જૂથ અને શિવસેના શિંદે જૂથ છે. ભાજપના સૌથી વધુ કાઉન્સિલર ચૂંટાયા હોવાથી મેયર ભાજપનો જ હશે. જોકે, એવું લાગે છે કે એકનાથ શિંદેએ પરિસ્થિતિ બદલી નાખી છે.

શિવસેના (શિંદે) જૂથના સમર્થન વિના, ભાજપ માટે મુંબઈ મહાનગરપાલિકામાં સત્તા મેળવવી મુશ્કેલ છે. કોઈ પણ સંજોગોમાં, તેમને શિવસેનાના શિંદે જૂથનો ટેકો લેવો પડશે. શિંદેએ શરત મૂકી છે કે ભાજપ અને શિંદે જૂથના અઢી અઢી વર્ષ માટે મેયર હશે. હોર્સ ટ્રેડિંગના ડરથી, નવા ચૂંટાયેલા કાઉન્સિલરને ફાઇવ સ્ટાર હોટેલમાં રાખવામાં આવ્યા છે.

યુબીટી મેયરની ચૂંટણીથી દૂર રહેશે
ભાજપે મેયરની ચૂંટણી દરમિયાન શિવસેના ઠાકરે જૂથનો સીધો સંપર્ક કર્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઠાકરે જૂથના 65 કાઉન્સિલર મેયરની ચૂંટણી પ્રક્રિયાથી દૂર રહેશે. 2017ની મેયરની ચૂંટણીમાં ભાજપે શિવસેના ઠાકરે જૂથની તરફેણમાં પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી.

એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે શિવસેના ઠાકરે જૂથ આનો બદલો વાળશે અને તેના કાઉન્સિલરો મેયરની ચૂંટણીમાં ગેરહાજર રહેશે. જોકે, ભાજપના નેતા પ્રવીણ દરેકરે સ્પષ્ટપણે જણાવ્યું છે કે ઉદ્ધવ ઠાકરે અને દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે આવી કોઈ વાતચીત થઈ નથી. દરમિયાન, શિવસેના (UBT)ના પ્રવક્તા હર્ષલ પ્રધાને પણ સોશિયલ મીડિયા પોસ્ટમાં પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે.