અમદાવાદ: શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે પોલીસે હાથ ધરેલા અભિયાનમાં એક મોટી સફળતા સાંપડી છે. વેજલપુર અને ઝોન-7 પોલીસની સંયુક્ત ટીમે એક ગુપ્ત બાતમીના આધારે ઓપરેશન પાર પાડીને શહેરના મોસ્ટ વોન્ટેડ આરોપી અઝહરને દબોચી લીધો છે. લાંબા સમયથી પોલીસને થાપ આપી ફરાર રહેતો આ ગુનેગાર આખરે જુહાપુરા-વેજલપુર વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવ્યો છે.
ધરપકડ કરાયેલા આરોપી અઝહરનો ગુનાહિત ભૂતકાળ અત્યંત ભયાનક છે. તેની સામે હત્યાનો પ્રયાસ, ખંડણી અને મારમારી જેવા કુલ 21 જેટલા ગંભીર ગુનાઓ રાજ્યના વિવિધ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા છે. ખાસ કરીને તે ગુજસીટોક (GujCTOC) જેવા કડક કાયદા હેઠળ પોલીસ ચોપડે વોન્ટેડ હતો. ધરપકડ દરમિયાન પોલીસને તેની પાસેથી રોકડ રકમ, એક વાહન અને શંકાસ્પદ વિદેશી ચલણી નોટો પણ મળી આવી છે, જે દિશામાં હવે વધુ તપાસ તેજ કરવામાં આવી છે.
પોલીસને થાપ આપી ભાગતો ફરતો ૨૧ ગુનાનો આરોપી અઝહર આખરે ઝડપાયો!
— Tejas Rajpara (@Tejas6105) January 20, 2026
વેજલપુર પોલીસે બાતમીના આધારે ઓપરેશન પાર પાડી ગુજસીટોકના વોન્ટેડ ગુનેગારને પકડ્યો. શંકાસ્પદ વિદેશી ચલણ પણ મળી આવ્યું. #Ahmedabad #PoliceSuccess #CrimeControl #VejalpurPolice #CityNews #Gujarat pic.twitter.com/1VK9xwhSWp
અઝહરની ગુનાખોરીની મોડસ ઓપરેન્ડી પર નજર કરીએ તો, અગાઉ તેને કોર્ટ દ્વારા શરતી જામીન આપવામાં આવ્યા હતા. જોકે, સુધરવાના બદલે તેણે જેલની બહાર આવી ફરીથી ગુનાખોરીની દુનિયામાં પગ પેસારો કર્યો હતો. જામીનની શરતોનો ભંગ કરીને નવા ગુના આચરવા બદલ કોર્ટે તેના જામીન રદ કર્યા હતા. ત્યારથી તે ધરપકડથી બચવા માટે સતત નાસતો ફરતો હતો અને પોલીસ તેના દરેક સંભવિત ઠેકાણાઓ પર નજર રાખી રહી હતી.
આરોપી અઝહર માત્ર ગુનેગાર જ નહીં પણ સ્થાનિક વિસ્તારના વેપારીઓ અને રહેવાસીઓ માટે માથાનો દુખાવો બની ગયો હતો. તે પોતાની ધાક જમાવીને લોકો પાસેથી બળજબરીથી ખંડણી ઉઘરાવતો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે લોકો તેના ડરથી ફરિયાદ કરતા પણ ગભરાતા હતા. હાલમાં વેજલપુર પોલીસે આરોપીનો કબજો મેળવીને તેની સાથે અન્ય કોણ સંડોવાયેલું છે અને વિદેશી ચલણ ક્યાંથી આવ્યું તે દિશામાં પૂછપરછ શરૂ કરી છે.